Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તાઉતની રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં અસર

તાઉતેનું અન્ય રાજ્યોમાં પણ રૌદ્ર સ્વરૂપ : માઉન્ટ આબુમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ઝાડ અને મકાન પડ્યાની ઘટનાઓ સામે આવી, ઠેર-ઠેર વરસાદ

નવી દિલ્હી, તા. ૧૯  :૧૭મીની રાત્રે દીવ અને ઉના વચ્ચે તોફાની વાવાઝોડું તાઉતે ટકરાયા બાદ ગુજરાત પર તેની ગંભીર અસરો જોવા મળી છે. આ પછી હવે તેની અસર ઉત્તર ભારત પર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાવાઝોડું ગુજરાતથી રાજસ્થાન તરફ ફંટાયું હતું જેના કારણે અહીં લો પ્રેસરની અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે અને કાલે એટલે કે ૧૯ અને ૨૦ મેના રોજ ઉત્તર ભારતના વાતાવરણમાં પલ્ટો જોવા મળશે. માઉન્ટ આબુમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ઝાડ અને મકાન પડ્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સાથે જિલ્લામાં વીજળી વિભાગને અલગ-અલગ ભાગમાં ટીમ બનાવીને રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી વીજળીના થાંભલા પડ્યા બાદ તાત્કાલિક કામગીરી કરી શકાય. આ સાથે રેસ્ક્યૂ ટીમને પણ મહત્વની જવાબદારી સોંપવાની સૂચના આપવામાં આવી છે.

આ તરફ સિરોહીમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે, જેમાં જિલ્લા કલેક્ટર અને હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ ઝડપી પવન ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એનસીઆર, પાનીપત, ગન્નૌર, સોનીપત, ગોહાના અને આસાપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેની ગતિ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળો પર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડું નબળું પડવાની સાથે દિલ્હી-દ્ગઝ્રઇ સહિત ઉત્તર ભારતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાના કારણે ૧૭ લોકોના જીવ ગયા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. જેમાં બાગાયતી પાકો જેવા કે ચીકુ, કેરી, કેળા વગેરેને ભારે નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતિની મુલાકાત લેવા માટે દિલ્હીથી આવી રહ્યા છે. આ મુલાકાત બાદ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

(8:00 pm IST)