Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોરોનાનો વધતો કહેર

૧૦૦માંથી ૨૦ બાળકોમાં સંક્રમણનો ખતરો

નવી દિલ્હી તા. ૧૯ : નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલનું કહેવું છે કે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ પણ વયસ્કોની જેમ જ હોય છે. લગભગ ૨૦ થી ૨૨ ટકા બાળકોને સંક્રમણનું જોખમ છે જેની પુષ્ટિ આઇસીએમઆર પણ એક અભ્યાસમાં કરી ચૂકયું છે. એટલે કે ૧૦૦માંથી ૨૦ બાળકોને સંક્રમણનું જોખમ થઇ શકે છે. જો કે ડો. પોલે કહ્યું કે, બાળકોને બચાવવાની રીત એ જ છે જેનું પાલન વયસ્કોએ કરવાનું હોય છે. પેનિક થવાના બદલે જો લોકો પોતાનું અને આખા પરિવારનું નિયમો અનુસાર ધ્યાન રાખે તો તેનાથી બચી શકાય છે.

ડો. પોલે ત્રીજી લહેરમાં બાળકો પર જોખમ અંગે કોઇ માહિતી નહોતી આપી. તેમણે કહ્યું કે, આવી લહેર આવશે કે નહીં આવે તે બાબતે અત્યારે કંઇ કહી ના શકાય. તો તેમણે એમ પણ કહ્યું કે, સિંગાપુરથી કોઇ સ્ટ્રેન આવ્યો છે કે નહીં તે અંગેની અત્યારે કોઇ માહિતી નથી.

મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે સિંગાપુરથી આવેલા કોઇ સ્ટ્રેનનો હવાલો આપતા બાળકોનું ધ્યાન રાખવા અપિલ કરી હતી. જો કે તેમણે સિંગાપુરથી આવેલા કોઇ સ્ટ્રેનનું નામ જાહેર નથી કર્યું. આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે, જે રાજ્ય પાસે એક પણ લેબ જીનોમ સીકવંસીંગની ન હોય અને જેમણે અત્યાર સુધીમાં ૫૦ લાખમાંથી ૧૦ હજાર સેમ્પલની જીનોમ સીકવંસીંગ પણ ન કરાવી હોય તેવા રાજ્યના મુખ્યપ્રધાને આ રીતે અપુરતી માહિતી સાથે ન બોલવું જોઇએ.

તો કર્ણાટકમાં પણ ઘણાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ અહીં પણ સંક્રમણની ત્રીજી લહેર દેખાઇ રહી છે.

પહેલી લહેર દરમિયાન ૯ માર્ચથી ૨૫ સપ્ટેમ્બર વચ્ચે ૧૦ વર્ષથી નાના બાળકોના ૧૯૩૭૮ કેસ અને ૧૧ થી ૨૦ વર્ષના બાળકોના ૪૧૯૮૫ કેસો જાહેર થયા હતા પણ એકથી ૧૬ મે વચ્ચે ૧૯ હજાર બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ૧૦ વર્ષની વયના બાળકોમાં પેટ દર્દની તકલીફ અને અન્ય ત્વચા રોગના લક્ષણો પણ મળી આવ્યા છે.

(12:57 pm IST)