Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને જેડીએસે ટેકો આપ્યો

દેવગૌડાના નિવેદન બાદ ચર્ચાઓનો દોર : કોંગ્રેસ-જેડીએસ કર્ણાટકમાં ૧૮થી વધુ સીટો જીતી જશે

બેંગ્લોર, તા. ૧૮ : પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ ફરી એકવાર કહ્યું છે કે, વર્તમાન સામાન્ય ચૂંટણીમાં પાર્ટી કોંગ્રેસનું સમર્થન કરશે. દેવગૌડાનું કહેવું છે કે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ દેશમાં રાષ્ટ્રીય  ચિત્ર સ્પષ્ટ થઇ જશે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર રહેલી છે. ગૌડાનું આ નિવેદન તેમના પુત્ર અને કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના એવા નિવેદન બાદ આવ્યું છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમની પાર્ટી વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીનું સમર્થન કરવા માટે તૈયાર છે. દેવગૌડાએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસની સાથે છીએ. આ મુદ્દા ઉપર કોઇ અન્ય વાત કરવાની તૈયારીમાં ગૌડા દેખાયા ન હતા. ૨૩મી મેના દિવસે પરિણામ આવશે ત્યારબાદ દેશની સામે ચિત્ર સ્પષ્ટ થશે. કુમારસ્વામીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન ચૂંટણીમાં રાજ્યમાં ૧૮માંથી મોટાભાગની સીટો જીતશે. કુમાર સ્વામીએ આ નિવેદન એવા સમયે કર્યું છે જ્યારે તેઓ પોતાના પિતાની સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં વ્યક્તિગત યાત્રા ઉપર પહોંચ્યા હતા. કર્ણાટકની ૨૮ સંસદીય સીટમાંથી કોંગ્રેસ ૨૧ ઉપર અને જેડીએસ સાત સીટો ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા પણ દેવગૌડા કહી ચુક્યા છે કે, કોંગ્રેસની મદદ વગર કોઇપણ ક્ષેત્રિય પક્ષો કેન્દ્રમાં સરકાર બનાવી શકે નહીં. દેવગૌડા પોતે તુમકુરમાંથી ચૂંટણી મેદાનમાં છે જ્યારે તેમના પ૨ૌત્ર પ્રજ્વલ અને નિખિલ હાસન અને મંડ્યા માંથી ચૂંટણી મેદાનમાં રહ્યા છે. તાજેતરમાં જ બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે દેવગૌડાને છુપા રુસ્તમ તરીકે ગણાવ્યા હતા.  કર્ણાટકમાં ગઠબંધને પણ પુરતી તાકાત લગાવી હતી.

(12:00 am IST)