Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભાજપ જીતે તો ટીકા, હારે તો ફિક્કાઃ વિપક્ષો આપત્તિને અવસરમાં પલટશે

ત્રણ ગુજરાતી ધૂરંધરો નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને વજુભાઈની પ્રતિષ્ઠાને જબ્બર ફટકોઃ જનતાની દ્રષ્ટિએ ભાજપની પ્રતિષ્ઠાની બેલેન્સ ઘટી ગઈ, રાહુલને રાજકીય ફીકસ ડીપોઝીટ વધારવાની તક

રાજકોટ, તા. ૧૯ :. કર્ણાટક વિધાનસભામાં આજે ફલોર ટેસ્ટ પૂર્વેની કલાકોમાં રાજકીય રોમાંચ વધ્યો છે. ભાજપની યદીયુરપ્પા સરકારને બહુમતી માટે ઓછામાં ઓછા ૮ ધારાસભ્યોના ટેકાની જરૂર છે. તડજોડથી ભાજપ જીતે કે હારે અથવા મેદાન છોડી દયે તો પણ ભાજપની પ્રતિષ્ઠાને ઘણુ નુકશાન થઈ ગયુ છે. કોંગ્રેસ માટે હારીને જીતવાની તક આવી છે જ્યારે ભાજપ માટે જીતીને હારવાનો વારો આવ્યો છે. ભાજપ જીતે તો પણ ટીકાપાત્ર બનશે અને હારે તો પાર્ટીને જોરદાર ફટકો લાગશે તેમ રાજકીય પંડીતો માને છે. કર્ણાટકની રાજનીતિમાં મહત્વની ભૂમિકા કરી રહેલા ૩ ગુજરાતી ધૂરંધરો નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને વજુભાઈ વાળાની પ્રતિષ્ઠા નિશ્ચિત નુકશાન સાથે દાવ પર લાગી ગઈ છે.

રાજ્યપાલે બહુમતીની ખાત્રી કર્યા વગર ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપી બહુમતી પુરવાર કરવા ૧૫ દિવસનો સમય આપ્યો તે સમયગાળો સુપ્રીમ કોર્ટે ટુંકાવીને બે દિવસનો કરી નાખ્યો છે. સુપ્રીમના આદેશ મુજબ આજે શનિવારે જ શકિત પરીક્ષણ કરવાનું આવતા ભાજપ માટે કલ્પનાતીત પરિસ્થિતિ થઈ ગઈ છે. વિપક્ષી ધારાસભ્યોને યેનકેન પ્રકારે ભાજપને ફાયદો થાય તે રીતે વર્તવા મજબુર કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. ધારાસભ્યોના ખરીદ-વેચાણ માટે કરોડો રૂપિયાના ભાવ બોલાવા લાગ્યા છે. આ બધી બાબતો લોકશાહીમાં ન શોભે તેવી છે.

જુલાઈ ૨૦૧૭માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા બાદ જોરદાર પછડાટ લાગેલ. આ વખતે કર્ણાટકમાં ભાજપ જીતે કે હારે પરંતુ આ ઘટનાએ વિરોધ પક્ષને સંગઠીત થવાની તક આપી દીધી છે. વિપક્ષો ભાજપના આ પ્રકારના આક્રમણને ખાળવા એક થવા લાગ્યા છે. સોશ્યલ મીડીયામાં કર્ણાટક સંદર્ભે ભાજપ વિરોધી મેસેજનો મારો ચાલી રહ્યો છે. જનતાની દ્રષ્ટિએ ભાજપની પ્રતિષ્ઠાની બેલેન્સ ઘટી ગઈ છે. ભાજપે રાહુલ ગાંધીને રાજકીય ફીકસ ડીપોઝીટ વધારવાનો મોકો આપી દીધો છે.(૨-૧૭)

(12:26 am IST)