Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સટ્ટાબજારના મતે ભાજપની ''ફતેહ''! ૫૦૦૦ કરોડનો જુગાર

કર્ણાટકમાં ૧૪ ધારાસભ્યો કોંગ્રેસ-જેડીએસ ને મત નહિ આપેઃ બુકીઓમાં રાજકીય પક્ષો કરતા પણ વધુ આત્મવિશ્વાસઃ ભાજપના વિજયનો ભાવ ૪૫ પૈસા અને કોંગ્રેસ-જેડીએસના ૨.૨૫ રૂપિયાઃ રાજકીય બદલાવો સાથે ભાવોમાં પણ ફેરફાર

રાજકોટ તા.૧૯: જેમ ગીત છેકે ''પીને વાલો કો પીને કા બહાના ચાહીયે'' એવી જ રીતે જુગારીયાઓ અને બુકીબજારને જુગાર માટે બસ કોઇક મોટો ''ઇસ્યુ'' જોઇએ. હાલમાં દેશમાં સોૈથી ભારે જેની ચર્ચા છે તે કર્ણાટકમાં શું થશે? બસ હવે આ પ્રકરણે દેશભરમાં રૂપિયા ૫૦૦૦ થી વધુ કરોડનો જુગાર રમાયો છે. શટ્ટાબજારના મતે ભાજપનો ઝળહળતો વિજય થશે અને કોંગ્રેસ-જેડીએસ સહિતના ૧૪ ધારાસભ્યો પોતાના પક્ષની વિરુધ્ધ જશે.

હાલમાં ભાજપની જીતનો ભાવ ૪૫ પૈસા છે જયારે કોંગ્રેસ-જેડીએસનો સવા બે રૂપિયા એટલે કે ભાજપની જીત સાવ  આસાન નું માને છે.

સોૈથી આશ્ચર્યની વાત તો એ છે  કે સંબંધિત રાજકીય પક્ષોથી પણ વધારે જુગારી આલમમાં આત્મવિશ્વાસ છલકી રહયો છે. ભાજપની જીત માટે બુકી બજાર સ્પષ્ટ માની રહયો છે કે એ કોંગ્રેસ અને જેડીએસના ૧૨ જેટલા ધારાસભ્યો પક્ષને વફાદાર રહી પક્ષની તરફેણમાં મતદાન  કરવાના બદલે ભાજપની જીત માટે કામગીરી કરે તો પછી અપક્ષ ધારાસભ્યો કોના તરફ ઢળે?

કર્ણાટકના વિધાનસભાના પરિણામ ઉપર કરોડોનો જુગાર રમાયો હતો પરંતુ કર્ણાટક માટે જુગારની મોસમ ચાલુ જ રહી અને અત્યંત કટોકટીનો મુકાબલો થતા જ કોન બનશે મુખ્યમંત્રી અને પછી મુખ્યમંત્રી ટકશે કે નહી તે માટે જુગાર ચાલુ થઇ ગયો હતો.

નામદાર સુપ્રિમ કોર્ટે આજે ચાર વાગ્યે વિશ્વાસનો મત લેવાનો આદેશ કરતા જ જુગારી આલમમાં હવે શું થશે તેના પણ જુગારની લગાઇ શરૂ થઇ ગઇ હતી. એમ કહેવાય છેકે અત્યાર સુધીમાં રૂપિયા પાંચ હજાર કરોડનો જુગાર રમાઇ ગયો છે અને સતત પ્રવાહ ચાલુ છે. ટોચના રાજકીય નેતાઓના નિવેદન,લીંગાયત સમાજમાં થતી ગતિવિધિઓ તથા દરેક મીનીટે બદલાતા રાજકીય પ્રવાહ તથા સમીકરણો ના આધારે સટ્ટા બજાર ના ભાવો પણ સતત વધઘટ થતા રહે છે.

જોકે બુકીબજાર નો સ્પષ્ટ મત છેકે આજે ચાર વાગ્યે ભાજપનો ઝળહળતો વિજય થશે અને કોંગ્રેસ અને જેડીએસ નો વિશ્વાસના મતના યુધ્ધમાં ''પન્નો'' ટુંકો પડશે.

(12:00 pm IST)