Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મોદીજીના આગમન પૂર્વે કાશ્મીરમાં પથ્થરમારા - ઇસ્લામિક ઝંડા ફરકયા

આજે નરેન્દ્રભાઇ એશિયાની સૌથી લાંબી ટનલનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હી તા. ૧૯ : આજે મોદીજી જમ્મુ - કાશ્મીર યાત્રાએ આવનાર છે. આ યાત્રા પૂર્વે કાશ્મીરમાં જોરદાર પથ્થરમારા અને ઇસ્લામિક ઝંડા લહેરાતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, રમઝાનમાં સરકારે યુધ્ધવિરામ ઘોષિત કરેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારનાં રોજ રાજનૈતિક દ્રષ્ટિથી જમ્મુ અને કાશ્મીરમાં જોજિલા ટનલનો શિલાન્યાસ કરવાનાં છે. આશરે ૬,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતે બાંધવામાં આવેલી આ ટનલ એશિયાની સૌથી લાંબી બાય-પાસ વે ટનલ હશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ટનલનાં નિર્માણને કારણે શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચેનાં ૧૨ માસની રોડ લિંકને મદદ કરશે.

બરફનાં આવરણને કારણે અનેક રસ્તાઓ બંધ હોય છે. જોગિલા પાસ પાર કરવા માટે જરૂરી સમય સાડા ત્રણ કલાકથી ઘટાડીને માત્ર ૧૫ મિનિટ કરવામાં આવશે અને ટ્રાફિક સુલભ અને સુરક્ષિત બનશે. શ્રીનગર અને જમ્મુમાં રીંગ રોડ પ્રોજેકટ માટે મોદી પાયો નાંખશે. અંદાજિત રૂ.૩,૮૮૪ કરોડ આ પ્રોજેકટ પાછળ ખર્ચ થશે. આ ઇવેન્ટ લીઓનાં કેવ-તાવલમાં રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી શ્રીનગરનાં શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં આયોજિત સમારોહમાં શ્રીનગર રિંગરોડનું શિલાન્યાસ કરશે. તે જ દિવસે જમ્મુનાં જનરલ જોરાવર સિંહ સભાગારમાં આયોજિત કાર્યક્રમમાં જમ્મુ રિંગરોડની પણ આધારશિલા રાખશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પણ આ કાર્યક્રમોમાં હાજર રહેશે.

શ્રીનગર રિંગ રોડ ૪૨.૧ કિ.મી લાંબી હશે. આ પશ્ચિમ શ્રીનગરમાં ગલંદરને સુમ્બલ સાથે જોડશે. આ સાથે જ શ્રીનગરથી કારગિલ અને લેહને માટે એક નવો માર્ગ પણ ઉપલબ્ધ કરાવશે કે જે યાત્રાનાં સમયને ઓછો કરી નાખશે. આનો ખર્ચ ૧,૮૬૦ કરોડ રૂપિયા હશે. જમ્મુની રિંગરોડ ૫૮.૨૫ કિ.મી લાંબી હશે. આ પશ્ચિમી જમ્મુમાં જગતીને રાયામોડ સાથે જોડશે. આનો ખર્ચ ૨,૦૨૩.૮૭ કરોડ રૂપિયા હશે. આનાં રસ્તામાં આઠ મોટા પુલ, છ ફલાઇઓવર, બે સુરંગ અને ચાર ડકટ હશે.(૨૧.૬)

(11:52 am IST)