Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જયપુરની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના તમામ બેડ ફૂલ

ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ કોરોનાનો હાહાકાર : ગેલરીમાં બેડ નાખવા પડ્યા : રાજસ્થાનની RUHSમાં ૧૨૦૦ જેટલા બેડ, ૧૬૭ વેન્ટિલેટર, ૨૫૦ ICU બેડ

જયપુર, તા. ૧૯ : કોરોનાના સંક્રમણે મચાવેલા હાહાકારની વચ્ચે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે.

રાજસ્થાનના જયપુરમાં રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ આરયૂએચએસમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. અહીંયા ૧૨૦૦ જેટલા બેડ છે, ૧૬૭ વેન્ટિલેટર અને ૨૫૦ આઈસીયુ બેડ છે. આ તમામ ફુલ થઈ ગયા છે. હવે દર્દીઓને હોસ્પિટલના દરેક ફ્લોરની ગેલેરીમાં બેડ નાંખીને દાખલ કરવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલના પાંચમાથી લઈને આઠમા ફ્લોર સુધી ગેલેરીમાં બેડ મુકવામાં આવ્યા છે. જ્યાં લોકો સારવાર લેતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ વેક્સિન લગાવવા માટે પણ રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ કોરોનાની પણ સારવાર માટે સ્ટાફ લગાવાયો હોવાથી વેક્સીન માટે પૂરતો સ્ટાફ નહીં હોવાની અને લોકોને કલાકો સુધી બેસી રહેવુ પડતુ હોવાની બૂમો પડી રહી છે. રાજસ્થાન સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્યમાં ૩ મે સુધી લોકડાઉન જેવા આકરા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી દીધી છે

(9:15 pm IST)
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • દેશમાં રોકેટ ગતિથી ફેલાયેલ કોરોના મહામારીની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ અત્યારે સવારે ૧૧:૩૦ કલાકે કેન્દ્ર સરકારના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક બોલાવી છે access_time 11:20 am IST

  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST