Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સરકાર કોરાના સામે લડે, ખેડૂતો સામે નહીં : કિસાન મોરચો

કોરોના વચ્ચે પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ડેરા : સરકારે ખેડૂતો જ્યાં દેખાવો કરી રહ્યા છે તે દિલ્હી બોર્ડર પર ખેડૂતોને રસી મુકવા માટે સેન્ટર શરુ કરવુ જોઈએ

નવી દિલ્હી, તા. ૧૯ : દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વચ્ચે પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચાલુ રાખવાનુ એલાન કર્યુ છે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યુ હતુ કે, સરકારે ખેડૂતો સામે નહીં પણ કોરોના વાયરસ સામે લડવુ જોઈએ. અમારી માંગણીઓ પૂરી થશે પછી આંદોલન ખતમ થશે. સરકારે ખેડૂતો જ્યાં દેખાવો કરી રહ્યા છે તે દિલ્હી બોર્ડર પર ખેડૂતોને રસી મુકવા માટે સેન્ટર શરુ કરવુ જોઈએ અને વાયરસથી ખેડૂતોનુ રક્ષણ થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ.

સંગઠને કહ્યુ હતુ કે, કોરોનાની મહામારી દેશમાં ફરી પ્રસરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતો અને મજૂરોની ચિંતા કરવી જોઈએ. કારણકે સમાજના બે વર્ગની સરકારે અત્યાર સુધી ઉપેક્ષા કરી છે. દિલ્હીની બોર્ડર પર અને દેશના બીજા ભાગોમાં ખેડૂત આંદોલન ત્યારે સમાપ્ત થશે જ્યારે સરકાર ખેડૂતોની માંગણીઓ માની લેશે. સરકાર જો ખરેખર ખેડૂતોની સ્થિતિ માટે ચિંતિત હોય તો તેણે ખેડૂતોની માંગણીઓ સ્વીકારી લેવી જોઈએ.

(7:57 pm IST)