Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઓહોહો...મહારાષ્‍ટ્રમાં દર ૩ મિનીટે ૧નું મોત

કોરોના તાંડવ મચાવી રહ્યો છેઃ દર મિનીટે ૨૮૫૯ લોકો કોરોનામાં સપડાય રહ્યા છે : છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૬૩૧ કેસ અને ૫૦૩ લોકોના મોત નોંધાયા

મુંબઈ, તા. ૧૯ :. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્‍ટ્રમાં કહેર યથાવત છે. સ્‍થિતિ એ છે કે રાજ્‍યમાં દર કલાકે કોરોનાના ૨૦૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. આંકડાથી જાણવા મળે છે કે ૨૮૫૯ લોકો દર મીનીટે કોરોનાનો શિકાર બની રહ્યા છે. એટલુ જ નહિ કોરોનાથી દર ત્રણ મીનીટે એક વ્‍યકિતનું મોત થઈ રહ્યુ છે. રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૬૩૧ નવા કેસ સામે આવ્‍યા છે.

એવુ પહેલીવાર બન્‍યુ છે કે રાજ્‍યમાં એક દિવસની અંદર કોરોનાના આટલા કેસ સામે આવ્‍યા છે. અત્‍યાર સુધીમાં રાજ્‍યમાં કોરોનાના કુલ ૩૮ લાખ ૩૯ હજાર ૩૩૮ કેસ આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૩ લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી મરનારાનો આંકડો ૬૦,૦૦૦ ઉપર પહોંચી ગયો છે.

નવા કેસમાંથી ૮૪૬૮ કેસ મુંબઈના છે. અહીં ૧૨૩૫૪ લોકોના મોત થયા છે. જેમાં ૫૩ના છેલ્લા ૨૪ કલાકમાં થયા છે. મહારાષ્‍ટ્રમાં હાલ મીની લોકડાઉન ચાલુ છે. જેની અસર જોવા મળતી નથી. રાજ્‍યમાં વીકએન્‍ડ લોકડાઉન પણ છે અને ૧૪૪મી કલમ પણ લાગુ છે. રાજ્‍યમાં તબીબી સેવા અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગઈ છે.

 

(11:21 am IST)