Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાના વધતા પ્રકોપથી આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફયુથી રસ્તાઓમાં સન્નાટો : ટ્રાંસપોર્ટ સેક્ટરને રોજ 315 કરોડનું નુકસાન

ટ્રાંસપોર્ટ સેક્ટર હજુ 2020ના લોકડાઉનમાં થયેલા નુકસાનમાંથી બહાર આવ્યું નથી તેવામાં ફરીવાર સંકટ આવ્યું

નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે દેશમાં ફરી એક વખત આર્થિક સંકટ ભયાનક રૂપ લઈ રહ્યો છે. આઉટ ઓફ કંટ્રોલ કોરોનાને રોકવા માટે કેટલાક રાજ્યોમાં લોકડાઉનની જાહેરાતો કરવામાં આવી છે, તો ક્યાંક આંશિક લોકડાઉન અને ક્યાંક રાત્રિ કર્ફ્યું કરવામાં આવ્યો છે. તો વળી કેટલાક રાજ્યોએ પોતાની બોર્ડરો પર અવર-જવરને લઈને કડક નિયમો જાહેર કર્યાં છે.

એક વખત ફરીથી કોરોનાના કારણે વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધો લાગી રહ્યાં છે. જેથી ટ્રાન્સપોર્ટ સેક્ટરને પ્રતિદિવસ મોટું નુકસાન થઇ રહ્યું છે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની કોર કમિટીના સભ્ય બી. મલકીત સિંહના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે ટ્રાંસપોર્ટ સેક્ટરને દરરોજ 315 કરોડનું નુકસાન થઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અત્યારે દેશમાં ટ્રકોની માંગમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યારે માત્ર અનિવાર્ય વસ્તુઓ જેવી કે મેડિકલ સંસાધનો, માસ્ક, પીપીઇ કિટ, દવા, ઓક્સિજન અને ખાવાની વસ્તુઓનું ટ્રાંસપોર્ટ થઈ રહ્યું છે. જ્યારે બાકીની વસ્તુઓ માટે ટ્રકોના પૈડા થંભી ગયા છે.

તેમણે કહ્યું કે ટ્રાંસપોર્ટ સેક્ટર હજુ 2020ના લોકડાઉનમાં થયેલા નુકસાનમાંથી બહાર આવ્યું નથી તેવામાં ફરી વખત સંકટ આવ્યું છે. જેના કારણે ટ્રક ચાલકો અને ટ્રાંસપોર્ટરોની ચિંતામાં વધારો થયો છે. અત્યારે દેશના 57 ટકા વિસ્તારમાં વિવિધ પ્રતિબંધોની અસર જોવા મળી છે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસનું કહેવું છે કે, ટ્રાંસપોર્ટરોએ ટેક્સ, વીમાના હપ્તા, ટ્રકોના હપ્તા, ડ્રાઇવરો અને કર્મચારીઓના પગાર વગેરેની વ્યવસ્થા કરવી પડતી હોય છે. જે માટે તેમણે રાજ્ય સરકારો પાસેથી ટેક્સ, પરમિટ, અને ખાલી પડેલા ટ્રકો માટે પાર્કિંગ ફીમાં રાહત માંગી છે

(12:00 am IST)