Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઓક્સિજનની અછતને પહોંચી વળવા સરકારનો મહત્વનો નિર્ણય : ઓક્સિજનની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે

કોરોના સામે રેલવે પણ લડતમાં જોડાયું :મહારાષ્ટ્રથી ખાલી ટ્રકો સોમવારે ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરશે

નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી કોરોના લહેરના કારણે રોજ કેસોની સંખ્યા વધતી જ જઈ રહી છે, અને હોસ્પિટલોમાં મેડિકલ સામગ્રી, બેડ, ઓક્સિજન અને આઇસીયુ બેડની પણ અછત વર્તાઇ રહી છે.

આવી સ્થિતિમાં આ પડકારને પહોંચી વળવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે, હાલમાં અનેક રાજ્યોમાં હોસ્પિટલોના બેડ ફૂલ થઈ જવાના અને ઓક્સિજનની ભારે અછત સર્જાવાના અહેવાલ આવ્યા હતા, ત્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓક્સિજન પહોંચવામાં પણ સમય લાગે છે. આ બધી સમસ્યાઓ જોતાં હવે કેન્દ્ર સરકારે રેલવે દ્વારા ઓક્સિજન પહોંચાડવાનું વિચારી રહી છે, અને આ માટે રેલવે વિભાગને સુસજ્જ પણ કરાયું છે. ટૂંકા સમયમાં રાજ્યોને ઓક્સિજન આપવા માટે રેલ્વે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવશે.

ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની માહિતી ખુદ રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આપી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રવિવારે ટ્વિટ કર્યું હતું કે રેલ્વે કોરોના વાયરસ સામેની લડતમાં કોઈ કસર છોડશે નહીં. મોટા પ્રમાણમાં અને ઝડપથી કોરોના દર્દીઓને ઓક્સિજન મળે તે માટે અમે ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરી રહ્યાં છીએ અને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવીએ છીએ.

  મહત્વનું છે કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારે ઓક્સિજનના સપ્લાય માટે ભારતીય રેલ્વેની મદદ માંગી હતી. જે બાદ રેલવે ગ્રીન કોરિડોર દ્વારા ઓક્સિજન સપ્લાય કરશે. રેલ્વે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા સપ્લાય કરવામાં આવશે.

રેલવે મંત્રાલય તરફથી એક તસવીર બહાર આવી છે જેમાં ટ્રેનમાં ઓક્સિજન ભરેલું ટેન્કર ભરેલું છે. એક સાથે કેટલાક ટેન્કર લોડ કરવામાં આવશે અને રવાના કરવામાં આવશે. રેલ્વેએ ગ્રીન કોરિડોર બનાવી છે, તેથી આ ટ્રેનો કોઈ પણ વિલંબ કર્યા વિના તેમના નિયુક્ત સ્ટેશન પર પહોંચશે. રેલવેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી ખાલી ટ્રકો સોમવારે ટ્રેન દ્વારા પોતાની મુસાફરી શરૂ કરશે અને ત્યારબાદ તેઓ વિઝાગ, જમશેદપુર, રાઉરકેલા અને બોકારોથી ઓક્સિજન લેશે

(12:00 am IST)