Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જેટના ૨૨૦૦૦થી વધારે કર્મીઓને લઇને ચિંતા શરૂ

ક્રોસ સેક્ટર ભરતી માટેનો વિકલ્પ છે : રિપોર્ટ : સ્પાઇસ, ઇન્ડિગો, એઆઈ કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ પાયલોટોની ભરતી કરે તેવી વકી : જેટના કર્મીઓ ઉત્સુક

મુંબઈ, તા. ૧૯ : જેટ એરવેઝે તેની સેવાઓ બંધ કરી દીધી છે પરંતુ તેના ૨૨૦૦૦ કર્મચારીઓના સપના ઉપર હાલ પુરતુ પાણી ફરી વળ્યું છે. ક્રોસ સેક્ટર હાઈયરિંગને લઇને અથવા તો ક્રોસ સેક્ટર ભરતીને લઇને નવી હિલચાલ શરૂ થઇ છે. જોબ ડેટા દર્શાવે છે કે, ઇન્ડસ્ટ્રીમાં નવી હિલચાલ ચાલી રહી છે. કેબિન ક્રૂની સંખ્યાની વાત કરવામાં આવે તો ડિમાન્ડ ૪૯૦૦ કર્મીઓની છે જ્યારે સપ્લાયનો આંકડો ૩૫૦૦નો રહેલો છે. આવી જ રીતે ગ્રાઉન્ડ સ્ટાફમાં માંગ ૧૫૮૦૦ની છે જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફમાં સપ્લાયનો આંકડો ૯૨૦૦નો છે. આવી જ રીતે પાયલોટની વાત કરવામાં આવે તો ડિમાન્ડ ૧૮૦૦ની છે જ્યારે સપ્લાય ૧૩૦૦ની આસપાસની છે. ક્રોસ સેક્ટર ભરતીને લઇને પણ અનેક અડચણો આવી રહી છે. આઈટી, ઇ-કોમર્સ, રિટેલ, લોજિસ્ટીક અને કસ્ટમર દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ સાથે સંબંધિત વિભાગોમાં સમસ્યાઓ આવી રહી છે. ટીમલીઝ સર્વિસના કારોબારી અધિકારી રુતુર્પણા ચક્રવર્તીએ કહ્યું છે કે, ખાસ પ્રકારની કુશળતા ધરાવતા કર્મચારીઓ માટે સપ્લાયને લઇને હજુ પણ સ્થિતિ સારી છે. જેટના કર્મચારીઓને હજુ પણ નોકરી મળી શકે છે. જો કે, પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અન્ય એરલાઈન્સ દ્વારા તેમને સામેલ કરવામાં આવી શકે છે. જેટમાં કામ કરતા કર્મચારીઓના ભાવિ અદ્ધરતાલ દેખાઈ રહ્યા છે ત્યારે ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયા દ્વારા કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ અને પાયલોટો તેમજ એન્જિનિયરોને લઇને પણ હિલચાલ ચાલી રહી છે. ક્રોસ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ભરતીને લઇને આંકડા જારી કરાશે. જો કે, ૨૫થી ૩૦ ટકા ઓછા પગાર પર ભરતી કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કર્મીઓ કામ કરવાની પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે.

(7:31 pm IST)