Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આજે થપ્પડ મારવાનો પ્રયાસ થયો, કાલે ભાજપ મને ગોળી મરાવશેઃ હાર્દિક પટેલ

હું ખેડૂતો અને યુવાઓનો અવાજ બનતો રહ્યો છું. જય હિન્દ

અમદાવાદ, તા.૧૯: ગુજરાતમાં ૨૩મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યકિતએ તેને લાફો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી. ભાજપે આ હુમલો કરાવ્યો હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફકત જાણવાજોગ અરજી આપી છે.  

આ મામલે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું કે, 'વઢવાણ વિધાનસભાના બારહ ગામ ખાતે સભાને સંબોધન કરતી વખતે ભાજપે મારા પર હુમલો કર્યો. મને ખબર છે કે આજે ફકત થપ્પડ મારવાનો પ્રયાસ થયો છે, પરંતુ કાલે ભાજપ મને ગોળી મરાવશે. હું ખેડૂતો અને યુવાઓનો અવાજ બનતો રહ્યો છું. જય હિન્દ.'

હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યકિત આવ્યો હતો અને હાર્દિકને લાફો મારી દીધો હતો. હાર્દિકને લાફો માર્યા બાદ વ્યકિતએ તેની સાથે જીભાજોડી પણ પણ કરી હતી. (આ પણ વાંચો ૅં જાણો કોણ છે હાર્દિક પટેલને લાફો મારનાર વ્યકિત)

હાર્દિકને લાફો માર્યાના બનાવ બાદ હાજર લોકોએ લાફો મારનાર વ્યકિતને ઢોર માર માર્યો હતો. પોલીસે મહામહેનતે વ્યકિતને ટોળા વચ્ચેથી બચાવીને લઈ ગઈ હતી. ટોળાએ હુમલો કરનાર વ્યકિતના કપડાં પણ ફાડી નાખ્યા હતા.

હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યકિત હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય, મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે.

(4:01 pm IST)