Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આઝમની ખબર કાઢવા આવી રહ્યો છું રામપુર

જયાપ્રદા માટે આજે પ્રચાર કરશે અમરસિંહ

નવીદિલ્હી,તા.૧૯: લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે ૧૮ એપ્રિલના રોજ પૂરું થયું. હવે ૨૩મી એપ્રિલે થનારા ત્રીજા તબક્કાના મતદાન માટે નેતાઓએ કમર કસી છે. ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા બેઠકો માટે ૨૩મી મતદાન થવા જઈ રહ્યું છે. સપા નેતા આઝમ ખાન દ્વારા જયા પ્રદા અંગે કરાયેલી ટિપ્પણી બાદ રામપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારના પ્રચાર માટે રાજ્યસભા સાંસદ અમરસિંહ પહેલીવાર રામપુર પહોંચી રહ્યાં છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને કહ્યું છે કે તેઓ માનસિક રીતે બીમાર આઝમ ખાનની ખબર કાઢવા માટે રામપુર આવી રહ્યાં છે.

રામપુર આવતા પહેલા અમર સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આઝમ ખાન વિશે આકરી પ્રતિક્રિયા આપી છે. ૨.૧૮ મિનિટના આ વીડિયોમાં તેમણે કહ્યું છે કે આઝમ તારા ખબર  કાઢવા માટે આવી રહ્યો છું હું. ૧૫ દિવસ સુધી આઈસીયુમાં રહ્યાં બાદ હવે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને માનસિક રીતે બીમાર આઝમ ખાનના ખબર અંતર લેવા માટે રામપુર આવી રહ્યો છું. તેઓ નારીશક્તિ વિરુદ્ધ ખોટા શબ્દ પ્રયોગ કરે છે. આવા લોકોને દેશના મતદારો પાઠ ભણાવશે અને પીએમ મોદી ફરીએકવાર દેશના વડાપ્રધાન બનશે.

રામપુરમાં સપા-બસપા અને આરએલડી ઉમેદવાર આઝમ ખાન અને ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ ચૂંટણીનો જંગ છે. જયા પ્રદા અને અમર સિંહ સાથે આઝમ ખાનના તણાવભર્યા સંબંધો છે. છેલ્લા કેટલાક દિવસોથી બીમાર અમર સિંહ હવે સ્વસ્થ છે. આથી તેઓ આજે રામપુરના પ્રવાસે છે. મળતી માહિતી મુજબ આજે સવારે તેઓ રામપુર પહોંચશે અને ત્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એક બાઈક રેલી દ્વારા તેઓ ઠેર ઠેર સભાઓ કરશે.

સિંહ શુક્રવારે રામપુર પહોંચ્યા બાદ ભાજપના યુવા મોર્ચાના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ બાઈક રેલીની સાથે તેઓ ખૌદ થઈને સ્વાર જશે અને ત્યાં જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે ૭ વાગે રામપુરમાં જ્વાલાનગર સ્થિત રામ મનોહર લોહિયા પાર્કમાં જનસભાને સંબોધિત કરશે.

(3:54 pm IST)