Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પેટ્રોલના ભાવ પહોંચ્યા આસમાને, આ વર્ષમાં સૌથી મોંઘુ થયું પેટ્રોલ

પેટ્રોલના ભાવ વધીને ૭૩ રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયોઃ દિલ્હીમાં ડીઝલ ૬૬.૩૧ રુપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૯: કાચા તેલની કીંમતોમાં તેજીની અસર હવે ધીરે-ધીરે સ્થાનીય બજારમાં પણ જોવા મળી રહી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ પેટ્રોલની કીંમતોમાં ૭ થી ૮ પૈસાનો વધારો કર્યો છે. આ વધારા સાથે જ પેટ્રોલ અને ડીઝલની કીંમતો આ વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કીંમતોમાં ૭ પૈસાનો વધારો થયો છે અને પેટ્રોલના ભાવ વધીને ૭૩ રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. કોલકત્તામાં પેટ્રોલ ૭ પૈસાના વધારા બાદ ૭૫.૦૨ રુપિયા પ્રતિ લીટરની કીંમતે મળી રહ્યું છે. મુંબઈમાં પણ ૭ પૈસાના વધારા સાથે અત્યારે પેટ્રોલ ૭૮.૫૭ રુપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલમાં ૮ પૈસાનો વધારો થયો અને તે ૭૫.૭૭ રુપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

ડિઝલની વાત કરવામાં આવે તો ડિઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો અને દિલ્હીમાં ડીઝલ ૬૬.૩૧ રુપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. કોલકત્તામાં ૬૮.૦૫ રુપિયા પ્રતિ લીટર, મુંબઈમાં ૬૯.૪૦ રુપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં ૭૦.૦૧ રુપિયા પ્રતિ લીટરના ભાવે ડીઝલ મળી રહ્યું છે.

(3:48 pm IST)