Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે તો ઢંઢેરા અભેરાઇએ, 'કોમન પ્રોગ્રામ' બનશે

'ખીચડી' સરકારમાં સાથી પક્ષો-ટેકેદાર પક્ષોની સોદાબાજી અને દબાણની વૃત્તિ માથુ ઉચકશે : કોંગ્રેસ ન્યાય યોજના હેઠળ વાર્ષિક ૭ર હજારની આવકની ખાતરી આપી છે : ભાજપે નાના વેપારીઓ-ખેડૂતોને પેન્શનનું વચન આપ્યું છે

રાજકોટ, તા. ૧૯ :. દેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રક્રિયા ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયુ છે. હજુ ૫ તબક્કા બાકી છે. ૧૯ મે એ છેલ્લો તબક્કો પુરો થયા બાદ ૨૩ મે એ મત ગણતરી થશે. તે દિવસની રાત સુધીમાં દેશનું રાજકીય ભાવિ સ્પષ્ટ થઈ જશે. ૨૦૧૪માં એકલા ભાજપને ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળેલ અને ૫ વર્ષમાં એન.ડી.એ.ના પક્ષોને સાથે રાખી મોદીએ સરકાર ચલાવી છે. જો આવતા ૫ વર્ષ માટે કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે તો મિશ્ર સરકાર અથવા ટેકાવાળી સરકાર બનશે. ખીચડી સરકારમાં મુખ્ય પક્ષના ચૂંટણી ઢંઢેરામાં મોટી બાંધછોડ કરવી પડતી હોય છે. સરકાર ચલાવવામાં વડાપ્રધાનની મજબુતીના બદલે મજબુરી વધી જાય છે. આવા સંજોગોમાં કોઈ એક પક્ષના એજન્ડાના બદલે સરકારમાં સામેલ સર્વપક્ષોને સ્વીકાર્ય 'કોમન મીનીમમ પ્રોગ્રામ' બનાવવાની જરૂરીયાત ઉભી થાય છે.

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં 'ન્યાય' યોજના અંતર્ગત ગરીબોને વાર્ષિક મહત્તમ રૂ. ૧૨ હજાર સુધીની આવક આપવાની તેમજ ખેડૂતો માટે અલગ બજેટની જોગવાઈ કરવાનું વચન આપ્યુ છે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા વગેરે બાબતે પણ મોટા વચનો આપ્યા છે. ભાજપે નાના વેપારીઓ અને ૬૦ વર્ષથી ઉપરના ખેડૂતોને પેન્શન તેમજ રામ મંદિર નિર્માણ સહિતના વચનો આપ્યા છે.ખીચડી સરકારમાં તમામ પક્ષો સમાન વિચારધારાવાળા હોતા નથી. બધાના એજન્ડા અલગ હોય છે તેથી કોઈ એક પક્ષના ચૂંટણી ઢંઢેરાને કેન્દ્રમાં રાખી સરકાર ચલાવવાનું શકય હોતુ નથી. જો કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે અને વિવિધ પક્ષોની મિશ્ર સરકાર અથવા કોઈના બહારના ટેકાવાળી સરકાર બને તો 'કોમન મીનીમમ' પ્રોગ્રામ બનાવાશે. ભૂતકાળમાં આવા પ્રયોગ થયા છે. હવે પછી કેવી સરકાર બનશે ? તે જાણવા માટે ૨૩ મે સુધીની રાહ જોવી પડશે.

(3:44 pm IST)