Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સંઘ પ્રદેશ દમણ-દીવમાં ત્રિકોણીય જંગ : ૧૯૮૭ થી અમલમાં આવેલ આ બેઠક પર મતદારોએ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષને આપી છે વારાફરતી તક

અહીં કોંગ્રેસ માટે કપરા ચઢાણઃ પરંતુ જો અપક્ષ વધુ ચાલશે તો ભાજપને નુકસાન : ભાજપના લાલુભાઈ પટેલ, કોંગ્રેસના કેતનભાઈ પટેલ અને અપક્ષના ઉમેશભાઈ પટેલ સ્પર્ધામાં

વાપી : આગામી તા. ર૩ મી એપ્રિલ ને મંગળવારને ત્રીજા તબકકામાં ગુજરાતની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલી ખાતે યોજાનાર ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે.

આ વેળાએ ૧૯૮૭ થી અમલમાં આવેલ આ બેઠક પર આ વખતે ત્રિકોણીય જંગ ખેલાશે. આમ તો ફાઇટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. પરંતુ એમાં ભાગ ભજવશે અપક્ષ ઉમેદવારના મતો...

જો અહીં અપક્ષ ઉમેદવાર વધુ મતો ખેંચી જશે તો એટલું નુકસાન સીધું ભાજપને થશે. અને જેનો સાધો લાભ કોંગ્રેસને મળશે તેવું ચિત્ર હાલ દેખાઇ રહ્યું છે.

સંઘ પ્રદેશ દમણ-દીવની આ બેઠક વિશે જોઇએ તો...

૧૯૬૧ માં પોર્ટુગલ શાસનમાંથી મુકત થયા બાદ દમણ-દીવને ગોવા સાથે જોડી ને એક વિધાનસભાની સીટ ફાળવવામાં આવી હતી. પરંતુ આશરે રપ-ર૬ વર્ષ બાદ એટલે કે ૧૯૮૭ માં દમણ-દીવ ને ગોવાથી અલગ કરી દમણ-દીવની એક લોકસભા બેઠક આપવામાં આવી હતી.

આમ ૧૯૮૭ થી આ દમણ-દીવ બેઠક અમલમાં આવી. ૧૯૮૭ થી ર૦૧૪ સુધીમાં આશરે ૯ ચૂંટણીઓ યોજાઇ. જેમાં મતદારોએ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષને એમ વારા ફરતી તક આપી છે.

આ બેઠકની ચૂંટણીના પરિણામો જોઇએ તો... ૧૯૮૭ માં કોંગ્રેસના ગોપાલ કલ્યાણ ટંડેલ (દાદા) એ અપક્ષ ઉમેદવાર શ્રીનિવાસન ને ૭૭ર૪ મતોથી હરાવી પ્રથમ વખત આ બેઠક કોંગ્રેસને અપાવી.

જયારે ૧૯૮૯ માં અપક્ષ ઉમેદવાર દેવજી જોગીભાઇ ટંડેલે કોંગ્રેસ તરફથી લડેલા ગોપાલદાદાને ૧૮૪૦ મતોથી હરાવ્યા. ૧૯૯૧ માં દેવજીભાઇ ટંડેલે ભાજપ તરફથી ચૂંટણીમાં ઝંપલાવી અપક્ષ ઉમેદવારી કરી રહેલ ગોપાલદાદાને રર૪૧ મતોથી હરાવ્યા.

આ બેઠક ઉપર સમય અનુસાર ચિત્ર બદલાતું રહ્યું. ૧૯૯૬ માં કોંગ્રેસ તરફથી  લડેલા ગોપાલદાદાએ ભાજપના ઉમેદવાર દેવજીભાઇ ટંડેલને  ૪૯૩૧ મતોથી હરાવ્યા. ૧૯૯૮ માં ભાજપ તરફથી લડેલા દેવજીભાઇ ટંડેલે અપક્ષ ઉમેદવારી કરી રહેલ ડાહ્યાભાઇ પટેલને ૧ર૩૪ મતોથી હરાવી ભાજપને ફરી સીટી અપાવી.

૧૯૯૯ માં કોંગ્રેસ તરફથી લડેલા ડાહ્યાભાઇ પટેલે ભાજપના ઉમેદવાર દેવજીભાઇ ટંડેલને ૩૪૦૬ મતોથી હરાવી આ બેઠક, છીનવી લીધી. જોતજોતામાં પાંચ વર્ષ પુર્ણ થઇ ગયા અને આવી ર૦૦૪ ની ચૂંટણી   આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડાહયાભાઇ પટેલે ભાજપના ઉમેદવાર ગોપાલદાદાને માત્ર ૬૦૭ મતોથી હરાવી ફરીવાર સાંસદ બન્યા.

પરંતુ ર૦૦૯ની ચુંટણીમાં  ભાજપે નવા ચહેરાને તક આપી અને તેમણે યુવા નેતા લાલુભાઇ પટેલને આપી તક અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર ડાહયાભાઇ પટેલને ર૪,૮૩૯જેટલા જંગી મતોથી હરાવીએક નવો ઇતિહાસ રચ્યો.

ત્યાર બાદ ર૦૧૪ ની ચુંટણી આવી આમા ભાજપ તરફથી લડેલા લાલુભાઇ પટેલે આ વખતે કોંગ્રેસના ઉેદવાર કેતન પટેલને ૯રરર મતોથી હરાવીફરી સાંસદ બન્યા. જો કે ર૦૦૯ ની ચુંટણીના પ્રમાણમાં જીતનો માર્જીન ખાસ્સો એવો ઘટયો.

આ સ્થિતિમાં ર૦૧૪ નીચુંટણીમાં કેવા સમીકરણો સર્જાશે. કારણ કે ગત લોકસભા ચુંટણીમાં આ બેઠક ઉપર ૮૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં ભાજપના લાલુભાઇને પ૩.૮૩ ટકા મત મળ્યા હતા.તો કેતનભાઇ  પટેલને ૪૩.ર૬ટકા મત મળ્યાહતા.

આ વખતે પણ  લડત તો ભાજપ અને કોંગ્રેસવચ્ચે જ છે.પરંતુ ભાજપ માટે નારાજગી જણાય છે. જેના બે કારણો જગજાહેર ચર્ચાય છે. એક તોપ્રશાસક તરીકે પ્રફુલ પટેલનું વિકાસના નામેડિમોલીશન તેમજ પ્રશાસનમાં સ્થાનીકોની ઉપેક્ષા.

તો બીજી બાજુ અહી કાયદેસર અને ગેરકાયદેસર દારૂનો વ્યવસાય ઘણા અંશે ઠપ્પ થઇ જવા પામ્યો છે. જેને પગલે ભાજપ તરફી નારાજગી વધી છે એટલું જ નહી શાસકઅને સ્થાનીકો વચ્ચેના પ્રશ્નોમાં ઉદય થયોછે.યુવા નેતા ઉમેશ પટેલનો...

ગત ચુંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપને આશરે ૧૦ ટકા જેટલા મત વધુ મળ્યા હતા. જોઆ વેળાએ અપક્ષ ઉમેદવારી કરી રહેલ ઉમેશ પટેલ જો ૧૦  થી ૧પ ટકા મત ખેંચી જાય તો ભાજપનું શું?  તેવા પ્રશ્નાર્થ ઉભા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૭થી અત્યાર સુધીમાં દમણ-દિવ લોકસભાની બેઠક પર જેટલા સાંસદ ચૂંટાઇને આવ્યા છે એ દમણના જ છે. હજુ સુધી એક પણ વખત દિવ માંથી કોઇ સાંસદ નથી બની શકયું. આમ પણ દમણના પ્રમાણમાં દિવ ઘણો નાનો વિસ્તાર છે.

હવે જો આપણે આ બેઠકના મતદારો વિષે જોઇએ તો ... દમણમાં ૪૨,૮૮૨ પુરૂષ મતદારો અને ૩૮૯૫૭, મહિલા મતદારો છે. તો દિવમાં ૧૭૦૯૫ પુરૂષ મતદારો અને ૨૦૭૪૩ મહિલા મતદારો છે.

આમ, આ દમણ-દિવ બેઠક ઉપર આશરે ૧,૧૯,૬૭૭ મતદારો આવેલ છે. જે આગામી ૨૩મીએ સાંસદનું ભાવિ ઘડશે.

દમણ-દીવ બેઠક પરથી લડતા ઉમેદવારોની કારકિર્દીની એક ઝલક

વાપી : દમણ-દીવ બેઠક પરથી લોકસભા ચુંટણી જંગ લડી રહેલ મુખ્ય લડવૈયાઓની કારકીર્દીની એક ઝલક જોઇએ તો

 લાલુભાઇ પટેલ

૩૧ મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ સંઘ પ્રદેશ દમણમાં એક સામાન્ય પરિવારમાં જન્મ, પિતાનું નામ બાલુભાઇ અને માાતાનું નામ ચંચળબેન, લાલુેભાઇ એ સ્થાનિક કલોલની હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો

લાલુભાઇના પારિવારીક જીવનની વાત કરીએ તો છઠી જુન ૧૯૮૩ ના રોજ તરૂણાબેન જોડે લગ્નગ્રંથીની જોડાયા, તેમના આ દામપત્ય જીવન દરમ્યાન તેમને એક પુત્ર અને બે પુત્રી છે

ખુબજ ટુંકા સમયની રાજકીય કારકીર્દીમા઼ ૨૦૦૯ માં ભાજપ તરફથી લોકસભા ચુંટણી લડવાની તક મળી અને તેમાં તેઓ  જંગી મતોથી વિજેતા પણ બન્યા, ત્યારબાદ ૨૦૧૪ ની ચુંટણીમાં ફરી સાંસદ બન્યા અને હવે ૨૦૧૯ માં પણ ફરીવાર મેદાનમાં ઉતર્યાછે.સ્થાનીકોમાં લોકચાહના ધરાવતા લાલુભાઇને આ ચુંટણી જીતવાનો પુરો વિશ્વાસ છે.

 કેતન પટેલ

સંઘ પ્રદેશ દમણ-દીવ બેઠકનાં  કોંગ્રેસના ઉમેદવાર છે. કેતન ડાહ્યાભાઇ પટેલ.

કેતનભાઇ પટેલ છેલ્લા પચીસેક વર્ષથી જાહેર જીવનમાં છે, અને તેઓ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પર સ્થાન શોભાવી ચુકયા છે. તેમના પિતા ડાહ્યાભાઇ પટેલ બે ટર્મ સુધી સાંસદ રહી ચુકયા છે.

ગત ૨૦૧૪ ની ચુંટણીમાંકેતનભાઇ પટેલે કોંગ્રેસ તરફથી લડીને ભાજપના સાંસદ  લાલુભાઇને જબરી ફાઇટ આપી હતી અને આ ચુંટણીમાં આ બેઠક કોંગ્રેસને અપાવવા કેતનભાઇએ નિર્ધાર કર્યો છે.

ઉમેશ પટેલ

આ બેઠક પરથી ઉમેશ પટેલ નામના આ યુવા નેતાએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે ઉમેશભાઇ રાજકીય આલમમાં નવા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સ્થાનીકોના વિવિધ મુદ્દે પ્રતિનીધીત્વ કરી પ્રસાસન સામે અનેક વાર જંગે ચઢયા છે, અને ઘણા પ્રજાજનો તેમને એક ઉભરતા નેતા તરીકે જોઇ રહયા છે.

આ વેળાની ચુંટણીમાં તેેઓ અપક્ષ તરીકે લડી રહયા છે. હવે જોઇએ તેઓ  કેટલું કાઠુ કાઢે છે.

(3:42 pm IST)