Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પર ચતુષ્કોણીય જંગ : ભાજપ - કોંગ્રેસ - અપક્ષ - શિવસેના મેદાને

નટુ પટેલ સામે અપક્ષ તરીકે ઉતર્યા છે મોહન ડેલકર... કોંગ્રેસના પ્રભુ ટોકિયા સાથે શિવસેનાના અંકિતાબેન પણ મેદાનમાં

વાપી : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની બેઠક પર આ વેળાની ચૂંટણીમાં ખેલાશે ચતુષ્કોણીય જંગ સામાન્ય રીતે અહી લડત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોય છે. પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે કદાવર નેતા મોહનભાઇ ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

એટલું જ નહિ નારાજ અંકિતાબેન પટેલે ભાજપ સાથે છેડો ફાડી શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવી છે. આમ ચતુષ્કોણીય જંગ નજરે પડી રહ્યો છે.

એક સમયની આદિવાસી બેઠક આજે પણ આદિવાસી મતોનું એટલું જ મહત્વ ધરાવે છે. ૧૯૬૭ થી આજ દીન સુધી આ બેઠક પર થયેલ ચૂંટણીનું સંક્ષિપ્તમાં વિષ્લેષણ જોઇએ તો...

૧૯૬૭ માં આ બેઠક પર એસ.આર.ડેલકર હતા. ત્યારબાદ ૧૯૭૧ અને ૧૯૭૭ મા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફ રામુભાઇ રવજીભાઇ પટેલ સાંસદ રહ્યા તો ૧૯૮૦ માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથીી રામજી પટેલ મ્હાલા ચુંટાયા ત્યારબાદ ૧૯૮૪માં અપક્ષ ઉમેદવાર સીતારામ ગવલીએ મેદાન માર્યું

જયારે ૧૯૮૯ ના વર્ષમાં આ વિસ્તારને મળ્યા યુવા આદિવાસી નેતા મોહનભાઇ ડેલકર અને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ત્યારબાદ ૧૯૯૧ અને ૧૯૯૬માં તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી લડયા અને ભવ્ય જીત પણ મેળવી.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જે તે  બેઠક પર પક્ષ એક જ હોય પરંતુ ઉમેદવાર બદલતા હોય પરંતુ અહી તો ઉમેદવાર એકજ હોય અને પક્ષ બદલાતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

૧૯૯૮માં મોહનભાઇ ડેલકર ભાજપ તરફથી લડયા અને ભવ્ય જીત મેળવી પરંતુ ૧૯૯૯માં તેમણે ભાજપનો સાથ છોડી અપક્ષ તરીકે લડયા અને ફરી પાછા જીત્યા ર૦૦૪ ના વર્ષમાં મોહનભાઇએ પોતાનો એક નવો પક્ષ રચ્યો ''ભારતીય નવશકિત પાર્ટી'' અને હેઠળ લડીને પણ તેઓ જીત્યા.

પરંતુ ર૦૦૯ ના વર્ષમાં બદલાવ આવ્યો સતત ૬ ટર્મથી જીતતા મોહનભાઇને ભાજપના ઉમેદવાર નટુભાઇ પટેલે હરાવી ઇતિહાસ સર્જયો ર૦૧૪માં ભાજપના નટુભાઇ ફરી વિજેતા બની મોહનભાઇને સતાથી દુર રાખવામાંં સફળ રહ્યા.

ર૦૧૪ માં મોહનભાઇ કોંગ્રેસ તરફથી લડયા હતા. અને તેમને ૪પ.૧ર ટકા એટલે કે ૭૪,પ૭૬ મતો મળ્યા હતા. જેની સામે ભાજપના નટુભાઇને ૪૮.૮૮ ટકા એટલે કે ૮૦.૭૯૦ મતો મળ્યા હતા એટલે કે માત્ર ૬ર૧૪ મતોથી નટુભાઇ વિજયી બન્યા હતા.

હવે જો આપણે ર૦૧૯ ની વાત કરીએ તો આ ચૂંટણીમાં પણ ભાજપ તરફથી તો નટુભાઇ જ લડી રહ્યા છે. તો કોંગ્રેસ તરફથી પ્રભુ ટોકિયા મેદાનમાં ઉતર્યા છે. પરંતુ આ વખતે મોહનભાઇ ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છ.ે તો બીજી બાજુ ભાજપથી નારાજ થઇને અંકિતાબેન પટેલે શિવસેના તરફથી ઝંપલાવ્યુંછે. આ બધા સમીકરણો જોતા ભાજપને નુકસાન થવાની ભીતી વધુ જણાઇ રહી છે.

સીટીંગ ધારાસભ્ય નટુભાઇ એકંદરે સક્રિય છ.ે પરંતુ કાર્યકરોમાં તથા કેટલાક વિસ્તારોમાં નારાજગી મ્હો ફાડીને ઉભી છે જેની સામે અપક્ષ ઉમેદવારી કરી રહેલ મોહનભાઇ આજે પણ એટલા જ પાવરફુલ નેતા છ.ે

આ ઉપરાંત ભાજપ સાથે છેડો ફાડનાર અકિંતાબેન શિવસેનામાં જોડાતા આ વિસ્તારના મરાઠી મતો તેમને મળે તેવી સંભાવના જોવાઇ રહી છે. એટલું જ નહિ તેઓ છેલ્લા બે-અઢી વર્ષથી આંતરીયાળ વિસ્તારના લોકોમાં સંપર્કમાં રહી કામો પણ કર્યાનો લાભ જો તેમને મળશે તો તેમને મળતા મત ભાજપમાં ગઢમાં ગાબડા સમાન રહેશે.

હવે જો આપણે અપક્ષ ઉમેદવાર મોહનભાઇની સ્થિતી જોઇએ તો...તેઓ ભીંસમાં આવેલ નટુભાઇ પટેલને પાછળ રાખી દે તો પણ નવાઇ નહી....

છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી હતી કે મોહનભાઇ ભાજપમાં જોડાશે એટલું જ નહિ તેઓ વડાપ્રધાન મોદીના એક કાર્યક્રમમાં પણ સ્ટેજ ઉપર દેખાયા હતા કહેવાય છે કે એવી ગોઠવણ થઇ છે કે જો મોહનભાઇ આ સીટ ઉપરથી જીતે તો તેઓ ભાજપમાં જોડાઇ જશે. અને જો કદાચ... કદાચ.. અંકિતાબેેનનું પલડુ ભારે લાગે તો   તેઓ ભાજપના જ છે એટલે મનાવી પણ લેવાય...આ સ્થિતિમાં ભાજપ હારે તો પણ કદાચ સીટ ના ગુમાવવી પડે..

પરંતુ જો કોંગ્રેસના ઉમેદવાર પ્રભુભાઇ મેદાન મારી જાય તો અણધાર્યો વળાંક આવ્યો એમ કહી શકાય જો કે આવી સંભાવના હાલમાં જણાતી નથી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી ઝંપલાવેલ  રાજકીય નેતાઓની કારકિર્દિની એક ઝલક નટુભાઇ પટેલ

નટુભાઇ પટેલ દાદરાનગર હવેલીમાં ભાજપ તરફથી લડતા નટુભાઇ  પટેલનો જન્મ ૪ થી મે ૧૯૭ર ના રોજ સેલવાસ ખાતે થયો હતો.

સામાન્ય પરિવારમાં જન્મ છતા લોકોપયોગી કાર્યને પગલે ટુંકી રાજનિતી દરમ્યાન જ ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો મોકો મળ્યો ર૦૦૯ ના વર્ષમાં...અને તેઓ સાંસદ બન્યા....ર૦૧૪ માં પક્ષ ફરી આ જંગ જીતી ભાજપના ભરોસાને પાત્ર બન્યા.

અને હવે ર૦૧૯માં  ફરી તેઓ ભાજપ તરફથી ચુંટણી લડી રહ્યા છે તેમના પારિવારિક જીવન વિશે જોઇએ તો...તેઓ જશ્રીબેન જોડે લગ્નગ્રંથિથી જોડાયા છે. તેમના આ દામ્પત્ય જીવન દરમ્યાન તેમને ૧ પુત્ર અને ૧ પુત્રી પણ છ.ે

રાજનિતી ઉપરાંત તેઓ બાંધકામ  વ્યવસય સાથે પણ જોડાયેલ છે સતત બેટર્મ સુધી સાંસદ રહ્યા હોવાથી પ્રજાજનોના કરેલા કામો વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓને મદદરૂપ બનેલ હોવાથી આ વેળાની ચૂંટણીમાં પણ તેઓ જીતીને હેટ્રિક સર્જશે તેવો તેમને વિશ્વાસ છે.

મોહનભાઇ ડેલકર

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની રાજનીતીમાં વર્ષોથી ગુંજતુ નામ એટલે જ મોહનભાઇ ડેલકર ૧૯મી ડિસેમ્બર ૧૯૬ર ના રોજ સેલવાસા ખાતે જન્મ બાળપણથી જ તેજસ્વી એવા મોહનભાઇ અભ્યાસ બાદ સ્થાનિક આદિવાસીઓની વ્હારે ચઢયા આદિવાસીઓના ઉત્થાન માટે તેમણે ૧૯૮પ માં આદિવાસી વિકાસ સંગઠનની રચના કરી ગામડે ગામડે અંતરિયાળ વિસ્તારોમાં જઇ આદિવાસીઓના પ્રશ્ન હાથ ધર્યા.

લોકાપયોગી કાર્યને પગલે ભારે લોકોચાહના મેળવતા ૧૯૮૪માંં અપક્ષ દાવેદારી કરી લોકસભા ચુંટણીમાં  સફળ ના રહ્યા ૧૯૮૯માં તેઓ પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે સાંસદની ચુંટણી જીતી.

બસ પછી તો શું હતું ૧૯૯૧,૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ર૦૦૪ એમ સતત એક પછી એક ચૂંટણીઓ મોહનભાઇ કયારેક કોંગ્રેસમાંથી તો કયારેક ભાજપમાંથી તો કયારે અપક્ષ તરીકે લડતા રહ્યા અને જીતતા રહ્યા.

છેલ્લી બે ટર્મથી તેઓ સતત ફાઇટ આપી રહ્યા છે.હાલ તેઓ સાંસદ ના હોવા છતા આદિવાસીઓના પ્રશ્ને આજે પણ એટલી જ લડત આપે છેે તેમણે પોતાના પિતાના નામે વિશાળ કોલેજ બનાવી છે.

રાજનીતીની સાથે સાથે બાંધકામ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા મોહનભાઇના એક અવાજ ઉપર આજે પણ કાર્યકરોની લાઇન લાગી જાય છે. છેલ્લા ૧૦ વર્ષથી તેઓ સાંસદ ના હોવા છતા આજે પણ તેમનું રાજકીય મહત્વ એટલું જ જોવા મળી રહ્યું છે.

આ વેળાની ચુંટણીમાં ફરી એન્ટ્રી મેળવવા મોહનભાઇ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ આદિવાસી નેતા પાસે ચોકકસ પણે એક અનેરૂ વિઝન છે.

:: અહેવાલ ::

જીતેન્દ્ર રૂપારેલીયા વાપી

(3:42 pm IST)