Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

હાર્દિકને લાફો: સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં કોંગ્રેસની જનઆક્રોશ સભામાં કડીના જેસલપુર ગામના તરૂણ ગજ્જરે સ્ટેજ ઉપર ચડીને ફડાકો મારી દીધોઃ સ્ટેજ ઉપર થઇ બબાલઃ જાહેરસભામાં હોબાળોઃ હાર્દિકની પોલીસ ફરિયાદઃ લાફો મારનારને બાદમાં ઢોર માર મરાયોઃ હોસ્પિટલમાં : ગઇકાલે ભાજપના પ્રવકતા નરસિમ્હા રાવ ઉપર જોડુ ફેંકાયાની ઘટના તાજી જ છે ત્યાં આજે કોંગ્રેસના નેતા ઉપર થયો પ્રહાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૯: સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે ચાલુ સભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક વ્યકિતએ લાફો ઝીંકતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ લોકસભા ચુંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવાામાં આવ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના સમર્થનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેરસભા યોજાઇ હતી. હાર્દિક પટેલ આ જાહેરસભામાં પ્રવચન કરતા જણાવી રહયા હતા કે તમે બધા જાણો છો કે લોકસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે એટલું બોલતા જ સ્ટેજ ઉપર કડી તાલુકાના જેસલપુર ગામનો તરૂણ ગજ્જર નામનો શખ્સ  દોડી ગયો હતો અને હાર્દિક પટેલ સંબોધન કરી રહયા હતા ત્યારે જ એક લાફો ઝીંકી દીધો હતો.

જાહેરસભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકતા સભા સ્થળે સ્ટેજ ઉપર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને હાર્દિક પટેલને લાફો મારનાર વ્યકિતને પણ લોકોએ પકડી લીધો હતો અને લાફાવાળી કરી હતી.

લાફો મારનાર તરૂણ ગજ્જરને અર્ધનગ્ન કરીને લોકોએ માર માર્યો હતો. જેથી તાત્કાલીક સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વઢવાણ પોલીસે તરૂણ ગજ્જર સામે ગુન્હો નોંધીને પૂછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન બાદ થોડા સમય પહેલા કોંગ્રેસમા જોડાઈ જતા તેની સામે વિરોધ વંટોળ ઉભો થયો છે.

આ બનાવ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તરૂણ ગજ્જરની પૂછપરછ હાથ ધરી છે.(૨-૨૦)

 

(3:34 pm IST)