Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

SGSTના રિફંડ મેળવવામાં બબ્બે મહિનાઃ વેપારીઓને ભારે હાલાકી

GSTR -૧ અપલોડ થયા પછી પણ રિફંડ આપવામાં ઠાગાઠૈયાઃ નિયમ ન હોવા છતાં વેપારીઓને રૂબરૂ બોલાવી ધક્કા ખવડાવાય છે

નવી દિલ્હી તા.૧૯: ગુજરાતમાં સ્ટેટ જીએસટીના અમલને લગભગ બે વર્ષ થવાં છતા હજુયે વેપારીઓને રિફંડ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જીએસટીની જોગવાઇ મુજબ તમામ પ્રક્રિયા પૂણ થયાના ૭ દિવસમાં વેપારીના ખાતામાં રિફંડ જમા થવું જોઇએ. પરંતુ દોઢ-બે મહિના થવા છતાંયે વેપારીના બેંક ખાતામાં રિફંડ જમા ન થવાને કારણે વેપારીઓ પરેશાન થઇ ગયા છે. સીજીએસટી દ્વારા ૫૦ ટકા રિફંડ ચૂકવી દેવાયા પછી બાકીનું પ૦ ટકા રિફંડ ચૂકવવામાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ ઠાગાઠૈયા કરવાને કરતું જોવા મળે છે. વેચનારે વેચાણની વિગતો સાથે જીએસટીઆર-૧ અપલોડ કરવાનું હોય છે અને તે વિગતો ખરીદનારના ફોમ-ર એ માં રીફલેકટ થાય છે. ટેકનીકલ કારણોસર ફોર્મ- ર એ માં વિગતો ન જોવા મળે તો રિફંડ આપવાની ના પાડવામાં આવે છે.

સીજીએસટીમાંથી ૫૦ ટકા રિફંડ જમા થઇ ગયા પછી બાકીના ૫૦ ટકા ચૂકવવામાં સ્ટેટ જીએસટીના નોડલ અધિકારીને ઇ-મેઇલ મારફતે જાણ કરે છે. આ પ્રકારની જાણ કરવા છતાં સ્ટેટ જીએસટીમાં અધિકારીને રૂબરૂ મળવાનો આગ્રહ રખાય છે. રિફંડની પ્રોસેસમાં વેપારીને રૂબરૂ બોલાવવાની જોગવાઇ ન હોવા છતાં તે માટે આગ્રહ રાખવાને કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વેપારીએ વેચાણ કરીને જીએસટીઆર-૧ અપલોડ કરવાનું હોય છે અને તે વિગતો ખરીદનારે ભરવા માટેના ફોર્મ-ર એ માં જોવા મળતી હોય છે. સીબીઇસીના સરકયુલર મુજબ, જો ફોર્મ -ર એ માં વિગતો રીફલેકટ ન થાય તો ખરીદીના બિલોની ઝેરોક્ષ આપવી અને બેંક ખાતાનો ઉતારો સુપરત કરીને વિગતો 'મેચ' કરીને રિફંડ આપવું.

(12:22 pm IST)