Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

BSPની જગ્યાએ BJPને વોટ આપી દીધો, પસ્તાવો થતા આંગળી કાપી નાખી!

વ્યકિતએ બસપાને વોટ આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે કમળનું બટન દબાવી દીધું હતું

લખનઉ, તા.૧૯: ગુરુવારે ૧૨ રાજયની ૯૫ બેઠક પર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સરેરશ ૬૩ ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ બેઠક માટે પણ મતદાન થયું હતું. મતદાન દરમિયાન બુલંદશહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના શિકારપુર વિસ્તારમાં એક દલિત મતદાતાએ ગુરુવારે લોકસભાની બીજા તબક્કા માટે મતદાન કર્યું હતું.

વ્યકિતએ બસપાને વોટ આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે કમળનું બટન દબાવી દીધું હતું. આ વ્યકિતને પોતાની ભૂલનો એટલો પસ્તાવો થયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.

બુલંદશહેરના શિકારપુર સ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના ૨૫ વર્ષીય પવન કુમાર મહાગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયા હતા. જોકે, ભૂલથી તેમણે બીજેપીના ઉમેદવાર ભોલાસિંહને વોટ આપી દીધો હતો. પવન પોતાની ભૂલથી એટલો દુઃખી થઈ ગયો કે તેણે પોતાની આંગળી જ કાપી નાખી હતી.

આવું કર્યા બાદ તેણે સોશિયલ મીડિયા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે આના પાછળનું કારણે જણાવ્યું હતું. પવને કહ્યું, 'મારી ભૂલ પર પસ્તાવો કરતા મેં મારી આંગળી કાપી નાખી છે.'

(12:21 pm IST)