Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જેટ બાદ હવે એર ઇન્ડીયાનો મૃત્યુઘંટ વાગવાની તૈયારી

એર ઇન્ડીયા ઉપર પણ રૂ. ૯૦૦૦ કરોડનું જંગી દેવું: ચુકવવાના પૈસા નથીઃ રોજની ૬ કરોડની નુકસાની ભોગવે છેઃ સરકાર મદદ નહિ કરે તો ડિફોલ્ટ થઇ જશેઃ કેટલીક વિદેશી ફલાઇટ બંધ કરી

નવી દિલ્હી તા. ૧૯ :.. જેટ એરવેઝ તો બંધ થવાની તૈયારીમાં છે જ ત્યાં હવે સરકારી વિમાની કંપની એર ઇન્ડીયાના માથે ચાલુ નાણાકીય વર્ષમાં ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની તલવાર લટકી રહી છે. આ મામલાના જાણકાર લોકોએ જો કે જણાવ્યું કે એર ઇન્ડીયા પાસે આ દેવું ચુકવવાની ક્ષમતા દેખાતી નથી. તેમણે કહ્યું કે કંપનીને બચાવવા માટે સરકારે વધુ એક રાહત પેકેજ આપવું પડે તેમ છે, પણ ચૂંટણી પુરી થાય અને નવી સરકાર કામકાજ સંભાળે તે પહેલા આ દિશામાં કોઇ પગલું લેવાય તેવી શકયતાઓ નથી.

ત્રણ સરકારી અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું કે ઉડયન મંત્રાલય અને એર ઇન્ડીયાએ આ ચિંતા નાણા મંત્રાલય સમક્ષ મુકી છે. આમાંથી એક અધિકારીએ કહયું, 'કેટલીક લોનની મુળ રકમ ચુકવવાની તારીખ આ વર્ષમાં છે પણ એર લાઇન પાસે તેના માટે પૈસા જ નથી. એટલે કાં તો એર ઇન્ડીયાને ડીફોલ્ટ જાહેર કરવી પડશે અથવા તેણે પોતાનું કામકાજ ઘટાડીને ખર્ચો ઓછો કરવો પડશે જેથી આ દેવું ચુકવી શકાય. આ બાબતો નાણા મંત્રાલય સમક્ષ મુકવામાં આવી છે.'

એર ઇન્ડીયા યુરોપ અને અમેરિકાની ફલાઇટસ પર રોજના રૂપિયા ૬ કરોડનું નુકસાન વેઠી રહી છે. સરહદ પર તંગદિલીના કારણે પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી હોવાના કારણે આ થઇ રહ્યું છે. આ નુકસાનના કારણે એર ઇન્ડીયાએ પોતાની કેટલીક વિદેશી ફલાઇટો રદ કરી છે.

ઉડયન મંત્રાલયના એક અધિકારીએ કહયું કે સરકારે આ પહેલા જ એર ઇન્ડીયામાં વધુ પૈસા લગાવવાની ના પાડી છે. તેમણે કહયું કે સરકારે એર ઇન્ડીયાનું દેવું પોતાના ઉપર લઇ લીધું હતું અને તે સ્પષ્ટતા કરી હતી કે વધુ ઇકવીટી ફંડીંગ નહીં કરવામાં આવે, નાણા મંત્રાલયને હાલની બાબતની પુરી માહિતી છે. જો કે સરકારે એર ઇન્ડીયાને મદદ કરવી જ પડશે કેમ કે તે એક સરકારી એરલાઇન છે.

બીજા એક અધિકારીએ કહયું કે આ કંપનીનું ભાવિ ચૂંટણીના પરિણામો પર આધારિત છે. જો હાલની સરકાર ફરીથી સત્તા પર આવશે તો કંપનીમાંનો પુરો સરકારી હિસ્સો વેચવાનું પગલું લઇ શકાય છે. એર ઇન્ડીયા પર પ૪૦૦૦ કરોડથી પણ વધારે દેવું હતું એટલે સરકારે ગયા વર્ષે તેનો ૭૬ ટકા ભાગ વેચવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે કોશિષ નિષ્ફળ રહી હતી. સરકારે ત્યાર પછી લગભગ ર૮૦૦૦ કરોડનું  વર્કીંગ કેપિટલ એર ઇન્ડીયા એસેટ હોલ્ડીંગ લીમીટેડમાં ટ્રાન્સફર કર્યા હતાં. આ ટ્રાન્સફર સાથે સરકારે એરલાઇનની વાર્ષિક ૪૦૦૦ કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ પેમેન્ટ લાયેબીલીટી માંથી લગભગ ર૭૦૦ કરોડ રૂપિયાની વાર્ષિક જવાબદારી પોતાના પર લીધી હતી.

(12:17 pm IST)