Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વકીલોને કાર્યવાહી બાધિત કરવાનો અધિકાર નથી

-કઠુઆ ગેંગરેપ મામલે સુપ્રીમકોર્ટે ફરીવાર જમ્મુ કાશ્મીરના વકીલોને ઠપકો આપ્યો

 

નવી દિલ્હી :કઠુઆ ગેંગરેપ મામલામાં સુપ્રીમ કોર્ટે ફરીવાર જમ્મુ-કાશ્મીરના વકીલોને ઠપકો અપાતા સુપ્રીમ કોર્ટે વકીલોને ક્હ્યું છે કે તેમની પાસે વકીલાત કરવાનો અધિકાર છે. પણ કાર્યવાહી બાધિત કરવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે વકીલોને સવાલ કર્યો છે કે તેમણે પોતાની હડતાલ પાછી ખેંચી છે કે નહીં ?જમ્મુ-કાશ્મીરના વકીલો તરફથી આના સંદર્ભે સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું છે કે હડતાલ 12 એપ્રિલે પાછી ખેંચી લેવામાં આવી છે

. સુપ્રીમ કોર્ટે મામલાની આગામી સુનાવણી 26 એપ્રિલે હાથ ધરવાની છે. જમ્મુ-કાશ્મીરના વકીલોએ સુપ્રીમ કોર્ટને સમજાવવાની કોશિશ કરી હતી કે મીડિયાએ તેમને ખોટી રીતે રજૂ કર્યા હતા. તેમણે કહ્યુ છે કે તેમનું પ્રદર્શન કોઈ અન્ય મુદ્દાને લઈને હતું. પરંતુ તેને એવી રીતે દર્શાવવામાં આવ્યું કે જાણે રેપ કેસ વિરુદ્ધ હોય.

   આના પર સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ક્હ્યું છે કે પૃષ્ઠભૂમિ ચાહે કોઈપણ હોય. પણ પરિણામ ખોટું નીકળ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેને માત્ર નિષ્પક્ષ ટ્રાયલની ચિંતા છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું હતું કે ત્યાં સ્થિતિ એવી હતી કે ચાર્જશીટ દાખલ કરવા માટે પોલીસને મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને જવું પડયું હતું.

કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકીની ગેંગરેપ બાદ હત્યાની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. વકીલો દ્વારા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવાથી રોકવા માટે કરવામાં આવેલા આંદોલન પર સુપ્રીમ કોર્ટે ક્હ્યું હતું કે કોઈપણ વકીલને પીડિત અથવા આરોપી તરફથી રજૂ થતા રોકી શકાય નહીં. કઠુઆ કાંડમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે.

(10:44 pm IST)