Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વૈશ્વિક સ્તરે વાયુ પ્રદૂષણથી થતા અડધોઅડધ મોત માટે ભારત અને ચીન જવાબદાર :અમેરિકન સંસ્થાનો દાવો

 

નવી દિલ્હી :વિશ્વભરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે.એક સમયે દિલ્હીમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વાયુ પ્રદુષણથી થનારા મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે ચીનમાં પણ વાયુ પ્રદૂષણે કહેર વર્તાવ્યો છે ભારત અને ચીન બંને મળીને વૈશ્વિક સ્તરે વાયુ પ્રદૂષણથી થનારા અડધોઅડધ મોત માટે જવાબદાર છે.અમેરિકા સ્થિત હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વૈશ્વિક હવા પર કરેલા અભ્યાસને રજૂ કર્યો છે જે મુજબ ભારત અને ચીનમાં વાયુ પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે. ચીનનું પીએમ 2.5 પ્રદૂષણ સ્તર હવે સ્થિર થઇ રહ્યુ છે. પરંતુ ભારતનું પ્રદૂષણ સ્તર હજુ પણ સતત વધી રહ્યું છે

 

 બંને દેશોમાં વાયુ પ્રદૂષણથી થનારા મોતમાં વર્ષ 1990થી 2010ની વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. 1990માં ચીનમાં પ્રતિ લાખની સંખ્યાએ મૃત્યુદર 146 હતો. જે 2016માં ઘટીને 80 સુધી આવ્યો. બીજી તરફ ભારતમાં પણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં પ્રતિ લાખની સંખ્યાએ મૃત્યુદર 150 હતો. જે ઘટીને 123 સુધી આવ્યો. પરંતુ આંકડાઓ 1990થી 2010ની વચ્ચેના વર્ષોના છે. નવા ડેટા મુજબ 2010થી 2016 સુધી ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું હતું.

 

    વાયુ પ્રદૂષણથી વિકાસશીલ દેશોમાં 70 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકોમાં બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. પીએમ 2.5 પ્રદૂષણને કારણે આકસ્મિક હાર્ટ સંબંધિત બિમારીઓ થાય છે. જે જિંદગીના 16.2 વર્ષ ઘટાડી દે છે. રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરાયો છે કે ભારત અને ચીને ઘરની બહાર અને અંદર એમ બેવડા પ્રદૂષણ સામે લડવું પડશે. વર્ષ 2016માં અંદાજે 2.45 અબજ લોકો એટલે કે વિશ્વની વસ્તીના 33.7 ટકા ઘરની અંદરના પ્રદૂષણના સંપર્કમાં હતા. ભારત અને ચીનની ક્રમશઃ 43 ટકા અને 30 ટકા વસ્તી ભોજન બનાવતી વખતે તેલ, કોલસો જેવા બળતણોનો ઉપયોગ કરે છે. જેના કારણે મોટા ભાગના લોકો ઘરમાં પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે છે. વર્ષ 2016માં ભારતમાં સંખ્યા 56 કરોડ અને ચીનમાં 41.6 કરોડ હતી.

જો કે રિપોર્ટમાં વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો કે ભારત સરકારે વાયુ ગુણવતા સુધારવા માટે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ ભારતે વાયુ પ્રદૂષણ ઘટાડવા હજુ વધુ કડક પગલાં ભરવા પડશે.

(10:46 pm IST)