Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સોનિયા ગાંધીને ફટકો

રાયબરેલી કોંગ્રેસના બે નેતા ભાજપનો પાલવ પકડશે

નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહી ગયું છે ત્યારે રાયબરેલી કોંગ્રેસના બે મોટા નેતાઓ ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરતાં સોનિયા ગાંધીને મોટો ફટકો પડે તેમ છે. ભાજપમાં સામેલ થનારા આ બંને નેતામાંથી એક રાયબરેલી જિલ્લાના હરચાંદપુરના ધારાસભ્ય છે.

સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીના સિનિયર કોંગ્રેસના નેતા અને બે વારના એમએલસી દિનેશ પ્રતાપસિંહ અને તેમના ભાઈ અવધેશસિંહ ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી રહયા છે. અવધેશસિંહ રાયબરેલી જિલ્લા પંચાયતના ચેરમેન છે, જયારે રાકેશસિંહ હરચાંદપુરના ધારાસભ્ય છે.

આ અંગે દિનેશસિંહે જણાવ્યું કે હું ૨૧મીએ અવધેશ સાથે ભાજપમાં સામેલ થઈ જઈશ. આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યુપીછ ભાજપના પ્રમુખ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યપ્રધાન ખાસ હાજરી આપશે ત્યારે એવું પણ ચર્ચાઈ રહયું છે કે પક્ષાંતર કાયદાના લીધે રાકેશ સત્તાવર રીતે ભાજપમાં સામેલ થઈ નહિ શકે.

બીજી તરફ ભાજપમાં સામેલ થવા જઈ રહેલા બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમણે આ વિસ્તારમાંથી બંને સીટ પર વિજય મેળવવા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી તેમને અન્યાય થઈ રહયો છે, જોકે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તાજેતરમાં બે દિવસ રાયબરેલીની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ બંને નેતાઓએ ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી છે ત્યારે શનિવારે રાયબરેલીના જીઆઈસી મેદાન પર ભાજપની સભા યોજાશે.

તે અંગે હાલ તેઓ તેની તૈયારીમાં વ્યસ્ત જોવા મળે છે. દિનેશે દાવો કર્યો છે કે તે આ દિવસે અમેઠી અને રાયબરેલીની સચ્ચાઈ અંગે પર્દાફાશ કરશે ત્યારે આ રીતે એકસાથે બંને ભાઈ ભાજપમાં સામેલ થઈ જવાની બાબત કોંગ્રેસ માટે ચિંતાજનક ગણી શકાય તેમ છે, કારણ એક વર્ષમાં જ લોકસભાની ચૂંટણી આવવાની છે. તેથી કોંગ્રેસને આ બેઠક માટે ભારે મહેનત કરવી પડશે. હાલ આ બાબતે રાયબરેલી સહિત અન્ય વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે.(૩૦.૧૦)

(3:59 pm IST)