Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

હાફિઝ સઇદની સલામતી માટે તોઇબાની મોટી ફોજ

સુરક્ષા માટે સ્પેશિયલ સિક્યુરિટી ટીમની રચના : પાકિસ્તાનના વડાપ્રધાન-પ્રમુખ જેટલી જ સુરક્ષા વ્યવસ્થા ત્રાસવાદીને અપાઈ :પાકનુ ત્રાસવાદી પ્રત્યે હળવુ વલણ

નવી દિલ્હી,તા. ૧૯ : ભારતમાં અનેક હુમલામાં સીધી રીતે સંડોવણી ધરાવનાર અને અનેક હુમલામાં માસ્ટરમાઇન્ડની ભૂમિકામાં રહેલા ભારતના નંબર વન દુશ્મન અને જમાત ઉદ દાવાના લીડર હાફિજ સઇદને લઇને પાકિસ્તાન તમામ દબાણ છતાં વિશ્વને ગેરમાર્ગે દોરવામાં સક્રિય છે. તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબુત કરી દેવામાં આવી છે. અમેરિકા અને ભારતની સામે હાલમાં ઝેર ફેલાવી રહેલા સઇદની સુરક્ષા માટે લશ્કરે તોયબાએ મોટી ફૌજ ઉતારી દીધી છે. ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા માસ્ટરમાઇન્ડ કુખ્યાત હાફિજની સુરક્ષા માટે તોયબાએ એક ખાસ સિક્યુરિટી ટીમ બનાવી લીધી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સઇદની સુરક્ષા માટે તોયબાની ખાસ ટીમ તૈનાત છે. એજન્ટોને આધુનિક હથિયારો અને વિસ્ફોટકો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યાછે કે એલટીટીઇના ખાસ તાલીમ  પામેલા ખાસ એજન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે. હાફિજની સુરક્ષા માટે ૨૪ કલાક જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. જો હાફિજ લાહોરની બહાર કોઇ જગ્યાએ જાય છે તો લશ્કરે તોયબાની ટીમ પણ તેની સાથે જાય છે. હાફિજ સઇદ હાલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુજરાનવાલા પહોંચી ગયો હતો. તે જીટી રોડ પર નજરે પડ્યો હતો. જ્યારે હાફિજ સઇદ ગુજરાનવાલ શહેરમાં રેલી માટે પહોંચ્યો ત્યારે તેની ગાડીની આસપાસ પણ મોટી  સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત હતા. જ્યારે તે રેલીને સંબોધી રહ્યો હતો ત્યારે પણ મોટી સંખ્યામાં સુર૭ા જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં પ્રમુખ અને વડાપ્રધાન જેવી સુરક્ષા તેને હાલમાં આપવામાં આવેલી છે. પાકિસ્તાનમાં સુરક્ષિતરીતે હાફિઝ સઇદ છુપાયેલો છે. મુંબઈના ભીષણ ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકામાં હાફિઝ સઇદ રહ્યો હતો.  હાફિઝ સઇદને જે પ્રકારની સુરક્ષા મળી રહી છે તે જોતા કહી શકાય છે કે, પાકિસ્તાનમાં ત્રાસવાદી સુરક્ષિત છુપાયેલા છે.

(12:58 pm IST)