Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કઠુઆ દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં વિરોધ પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થતા ટીયરગેસના સેલ છોડાયાઃ બે ડઝનથી વધુ વિદ્યાર્થીઓને ઇજા

કઠુઆઃ કાશ્મીરમાં કઠુઆ રેપ અને મર્ડર મામલે બુધવારે સવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયુ હતું જેમાં બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીઓ ઘવાયા હતાં. આઠ વર્ષની બાળકી પર થયેલા રેપ અને મર્ડરના વિરોધમાં આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. સૌથી પહેલા પ્રદર્શનકારીઓ કાશ્મીરના અનંતનાગમાં એકઠા થયા હતા જ્યાં કોલેજના વિદ્યાર્થીઓ સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણમાં આવ્યા હતા. આ ઘર્ષણ થવાના કારણે, સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘર્ષણ દરમિયાન બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

અનંતનાગમાં બનેલી આ ઘટના બાદ દક્ષિણ કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. જેમાં પુલવામા, ત્રાલ અને અવન્તિપોરનો સમાવેશ થાય છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના વર્ગો છોડ્યા હતા. મળતા અહેવાલો મુજબ, બે અવંતિપોર ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સાથેના ઘર્ષણમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.

પોલીસે આપેલા એક નિવેદન મુજબ, આજે સવારે વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ દેખાવો શરૂ થયા હતા પણ આ પછી તોફાની તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ હતું. વિરોધ કરનારાઓએ અનંતનાગ બળજબરીપૂર્વક બંધ કરવાનું શરૂ કર્યુ હતું.

(8:02 pm IST)