Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લો કમિશન દ્વારા કેન્‍દ્ર સરકારને બીસીસીઆઇને આરટીઆઇ હેઠળ લાવવા ભલામણ

નવી દિલ્હીઃ  બીસીસીઆઇને આરટીઆઇ હેઠળ લાવવા માટે કેન્‍દ્ર સરકારને લો કમિશને ભલામણ કરી છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઈને સૂચનાના અધિકાર એટલે કે RTI હેઠળ લાવવાની ભલામણ કરવામાં આવી છે. લૉ કમિશને સરકારને આપેલા રિપોર્ટમાં કહ્યું કે, બીસીસીઆઈને એક જાહેર સંસ્થાનો દરજ્જો મળે. 

ભલામણ અનુસાર બીસીસીઆઈને નેશનલ સ્પોર્ટ ફેડરેશનનો દરજ્જો આપવામાં આવે. બીસીસીઆઈ વિરુદ્ધ કોર્ટમાં પણ અપીલ કરી શકાય, ભલે પછી તે મામલો માનવાધિકાર ઉલ્લંઘનનો કેમ ન હોય. 

જો સરકાર લૉ કમિશનની માંગો માને છે તો બીસીસીઆઈમાં મોટા ફેરફાર થઈ સકે છે. લૉ કમિશને માંગ કરી કે બીસીસીઆઈનો દરજ્જો એક જાહેર સંસ્થા જેમ હોય અને બીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ જરૂરી મામલાને આરટીઆઈ એક્ટ હેઠળ લાવવામાં આવે તેથી દરેકને બીસીસીઆઈ સાથે જોડાયેલા મામલાને જાણવાનો હક મળે. 

મહત્વનું છે કે, બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ ખાનગી સંસ્થા હોવાને કારણે અત્યારે છૂટ છે. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉદ્દેશથી આ ભલામણ કરવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં બનાવેલા લૉ કમિશને આ સૂચનો કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની પાસે મોકલ્યા છે. મહત્વનું છે કે આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યા બાદ ક્રિકેટ બોર્ડમાં સુધારો કરવા ઘણા મોટા પગલા ભરવામાં આવ્યા છે. લૉ કમિશને પોતાના સૂચનમાં બીસીસીઆઈ અને તેની સાથે જોડાયેલા તમામ ઘટકોને આરટીઆઈમાં લાવવાની ભલામણ કરી છે. 

(7:51 pm IST)