News of Sunday, 19th March 2023
મુંબઈ :બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને દસ વિકેટે શરમજનક પરાજય આપ્યો હતો અને ભારત માટે વધારે આઘાતજનક વાત એ હતી કે ભારતે આપેલો 117 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 ઓવરમાં વિના વિકેટે 121 રન કરી જીતી લીધો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ફક્ત 66 બોલમાં જ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ 30 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 51 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે મિચેલ માર્શ 36 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતના કોઈપણ બોલરને તક જ મળી ન હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતીય ટીમ 26 ઓવરમાં ફક્ત 117 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને ઓલઆઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ઓસ્ટ્રેલિયાના સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્કે ભજવી હતી. તેણે 53 રન આપી પાંચ વિકેટ ઝડપતા ભારતની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. સ્ટાર્કે પહેલા સ્પેલમાં જ ભારતની ચાર વિકેટ ઝડપી હતી. સ્ટાર્કના સ્વિન્ગ થઈને પ્રતિ કલાક 145 કિ.મી.ની ઝડપે અંદરઆવતા બોલનો સામનો કરી શકવામાં ભારતીય બેટસમેનો નિષ્ફળસાબિત થયા હતા, તેથી જ તેઓ લેગબીફોર થયો હતો.
કોહલીના 31 રન અને અક્ષર પટેલના 29 રનને બાદ કરતાં કોઈપણ ભારતીય ખેલાડી ખેલાડી ખાસ પ્રદાન કરી શક્યો ન હતો. જાડેજાએ 16 રન કર્યા હતા તો કેપ્ટન રોહિત શર્માએ 13 રન કર્યા હતા. બાકીના ખેલાડીઓ ડબલ ફિગરે પણ પહોંચી શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવ સળંગ બીજી વન-ડેમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી તે નિર્ણય ટીમને ફળ્યો હતો. આ ઉપરાંત સ્મિથે સ્લિપમાં બે અદભુત ડાઇવિંગ કેચ પણ કર્યા હતા. સીન એબોટે ત્રણ વિકેટ ઝડપી સ્ટાર્કને સારો ટેકો પૂરો પાડ્યો હતો. જ્યારે નાથન એલિસે બે વિકેટ ઝડપી હતી, તેમા કોહલીની મૂલ્યવાન વિકેટનો પણ સમાવેશ થતો હતો. કોહલીના આઉટ થવાની સાથે જ ભારતની જંગી સ્કોર કરવાની સંભાવના પર પાણી ફરી વળ્યું હતું.
ભારતીય ટીમમાં ઇશાન કિશનના સ્થાને ઓપનર રોહિત શર્મા પરત ફર્યો હતો. પ્રથમ વન-ડેમાં રોહિત શર્મા વ્યક્તિગત કમિટમેન્ટના લીધે રમી શક્યો ન હતો. બીજી વન-ડેમાં રોહિત શર્માએ એકસ્ટ્રા સ્પિન બોલરનો વિકલ્પ અજમાવતા શાર્દુલ ઠાકરના બદલે અક્ષર પટેલને લીધો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એલેક્સ કેરી પરત ફર્યો છે અને ગ્લેન મેક્સવેલના સ્થાને એકસ્ટ્રા સીમર નાથન એલિસને ઓસ્ટ્રેલિયાએ સમાવ્યો હતો