Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

યુથ કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડીયાનો ધમધમાટ ઉપયોગ શરૃઃ પોસ્ટર યુધ્ધ શરૂ કર્યું: ભાજપ વિરૂધ્ધ પોસ્ટરો શેર કર્યા

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે નુકકડ સભા, જાહેર સભા, જૂથ સભા, વ્યકિતગત સંપર્કો થવા લાગ્યા છે. તેવામાં અત્યાર સુધી સોશ્યલ મીડીયાના ઉપયોગમાં પાછળ રહેલ કોંગ્રેસની યુવા પાંખ યુવક કોંગ્રેસ એકાએક હરકતમાં આવી ગઈ છે. ભાજપ તો ઘણા વર્ષોથી સોશ્યલ મીડીયાના માધ્યમથી ચૂંટણીમાં ભરપૂર પ્રચાર કરે છે. ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમવાર સોશ્યલ મીડીયા ઉપર ચૂંટણીલક્ષી પ્રચારની શરૂઆત કરી દીધી છે. યુથ કોંગ્રેસના સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં બે પોસ્ટરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાફેલ ડીલમાં કોંગ્રેસ- ભાજપ સરકારની સરખામણી કરી એક રાફેલ પ્લેનની કિંમત અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. જયારે બીજા પોસ્ટરમાં ''દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો'' એવા મથાળા સાથે ઓદ્યોગીક આઉટપુટ ગ્રોથમાં ઘટાડો અને જથ્થાબંધ મોંઘવારી દરમાં ખુબ જ વૃધ્ધી સાથેના આંકડાઓ દ્વારા યુથ કોંગ્રેસે ભાજપની સામે સોશ્યલ મીડીયા યુધ્ધની શરૂઆત કરી દીધી છે. પોસ્ટરોમાં નરેન્દ્રભાઈનો હતાશ હોય તેવા ફોટાની સાથે ભાજપનું ચિહ્ન કમળ પણ ઉંધુ મુકવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી ટાંણે  ભાજપ- કોંગ્રેસનું ચૂંટણી યુધ્ધ મતક્ષેત્રની સાથો- સાથે સોશ્યલ મીડીયામાં પણ ભારે જામશે.

(3:27 pm IST)