Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પબજીની લત : ધો. ૧૦ના કિશોરનું બ્રેઇનવોશ : ઘર છોડીને ભાગ્યો

ગાજીયાબાદ તા. ૧૯ : પબજી ગેમ કેટલી હદે તેના યુઝર્સનું માઇન્ડવોશ કરી રહી છે તેનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં રહેતો ધો.૧૦નો એક વિદ્યાર્થી ઘર છોડીને ભાગી ગયો હોવાનું અને તેની પાછળ પબજી ગેમ દ્વારા માઇન્ડ વોશ કરવામાં આવ્યું હોવાનો તેના પિતએ આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે ૧૧ માર્ચના ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. ભાગી ગયેલા બાળકના પિતાના જણાવ્યા મુજબ તેમણે પોતાના બાળકની તમામ ઓનલાઈન મુવમેન્ટ જાણવા માટે તેનું લેપટોપ પણ પોલીસને સોંપી દીધું છે. જોકે હજુ સુધી તેમને જાણ નથી કે પોતાનો ૧૫ વર્ષનો દીકરો કયાં છે અને કઈ સ્થિતિમાં છે.

જાણકારી અનુસાર રાજનગર એકસટેન્શનની એક સોસાયટીમાં રહેતા ટીચર દંપતીને બે બાળકો છે. પિતાએ કહ્યું કે તેમનો મોટો દીકરો મેરઠની એક પ્રખ્યાત સ્કૂલમાં ધો.૧૦નો વિદ્યાર્થી છે. પરંતુ પાછલા ઘણા સમયથી તે સતત પબજી રમતો હતો અને ના પાડવા પર ગુસ્સે પણ થઈ જતો હતો. આ ગેમ રમતા રમતા તે કેટલાક લોકો સાથે ઓનલાઇન ચેટ પણ કરતો હતો. જયારે ૧૧ માર્ચના રોજ થોડીવારમાં આવું છું કહીને ઘરેથી પોતાની સ્કૂટી પર નીકળ્યો હતો. જોકે પરત ન ફરતા પરિવારે તપાસ કરતા તેનું સ્કૂટી નવા બસ અડ્ડા મેટ્રો સ્ટેશન પાસે મળી આવ્યું હતું. જે બાદ તેના ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ કિશોર ગેમમાં ખૂબ જ વધારે પડતો ઇન્વોલ્વ હતો અને જેના કારણે પરિવાર પ્રત્યે પણ તેનો પ્રેમ ઓછો થઈ ગયો હતો. તે સતત એક આઈડી પર ચેટ કરતો હતો જેમાં તેણે કહ્યું હતું કે પોતે પરિવારથી દુખી છે. તેમજ ૧૦ માર્ચના રોજ તેણે જણાવ્યું હતું કે પોતે એક નવું આઈડી બનાવશે અને તેના દ્વારા વાત કરશે. બીજા દિવસે ઘરેથી ચાલ્યા જતા તેની માતાનો મોબાઈલ પણ લઈ ગયો છે અને સાથે ૧૫૦૦૦ રૂપિયા પણ લઈ ગયો છે. પોલીસ હવે આ મોબાઇલના આધારે તપાસ કરી રહી છે તો જે આઈડી સાથે ચેટિંગ કરતો હતો તે પણ ભારતનું હોવાનું પોલીસ જણાવી રહી છે. તેના અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

થોડા દિવસો પહેલા પરીક્ષા અંગે બાળકો અને તેમના વાલીઓ સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ પણ પબજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક માતાની ફરિયાદ પર તરત જ પૂછ્યું હતું કે શું તેમનો બાળક પબજી રમવાવાળો છે. પબજી એક એવી એડિકટેડ ગેમ છે જે યુઝર્સને પૂરી રીતે પોતાના કાબૂમાં કરી લે છે. પબજી રમવાવાળો વ્યકિત તેની આભાસી દુનિયાનો સભ્ય બની જાય છે. પોતાના ઘરપરિવાર, મિત્રો બધાથી અલગ થઈ તે એક નવી દુનિયાના સપનામાં રાચવા લાગે છે.

(10:21 am IST)