Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મોદીરાજમાં ડાબેરીઓના ડબ્બા ડુલ થઈ ગયા

હવે અસ્તિત્વનો ખતરોઃ જનાધાર સડસડાટ ઘટી ગયો

નવી દિલ્હી, તા. ૧૯ :. દેશમાં મોદી સરકારના આવવાથી જો સૌથી વધારે કોઈ પક્ષને નુકશાન થયું હોય તે ડાબેરી પક્ષો છે. ભલેને ભાજપા કોંગ્રેસમુકત ભારતનો નારો લઈને સત્તામાં આવ્યો પણ તેની આક્રમકતાના કારણે નુકશાન કોંગ્રેસની સાથે સાથે ડાબેરી પક્ષોએ પણ ઘણું વેઠવું પડયું. ફકત દોઢ દાયકા પહેલા સુધી દેશના ઘણા રાજ્યોમાં પોતાનો મજબુત આધાર ધરાવતા ડાબેરીઓ આજે ભારતીય રાજકારણમાં બહુ ઝડપથી હાંસિયામાં ધકેલાતા જોવાઈ રહ્યા છે. ડાબેરીઓની હારની શરૂઆત તેના સૌથી મજબૂત ગઢ ગણાતા પશ્ચિમ બંગાળથી ત્યારે થઈ જ્યારે મમતા બેનર્જીએ તેના ૩૪ વર્ષથી ચાલતા સામ્રાજ્યનું પતન કર્યુ, ત્યારથી ડાબેરીઓના પતનની ગતિ રોકાવાનું નામ નથી લેતી. બંગાળમાંથી હાર્યા પછી ભાજપાની આંધીમાં ડાબેરીઓનો બીજો કિલ્લો ત્રિપુરાના રૂપમાં પડયો, જ્યાં ભાજપાએ પોતાની સરકાર બનાવી. અત્યારે ડાબેરીઓ ભાગીદાર રૂપે કેરળમાં સત્તા પર છે.

ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં ડાબેરીઓની લગભગ એક ડઝન પાર્ટીઓ મુખ્ય રૂપે છે પણ ડાબેરીઓના ઘટી રહેલા જનાધારને જોતા આજે તેના બે મુખ્ય પક્ષો સામે આવે છે. એક સીપીએમ અને બીજો સીપીઆઈ ૨૦૧૪માં સીપીઆઈને લોકસભામાં ખાલી ૧ બેઠક મળી હતી, ત્યાર પછી ચૂંટણી પંચે તેને તાકિદ કરી હતી કે જો પછીની લોકસભા ચૂંટણીમાં તેના મતની ટકાવારી નહીં વધે તો તેનો રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ થઈ જશે. આ વખતની ચૂંટણીમાં ડાબેરી મોરચો ફરી એકવાર પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. કેરળ, બંગાળ, તામિલનાડુ અને બિહાર જેવા રાજ્યોમાં તે ગઠબંધનની કોશિષ કરી રહ્યો છે પણ હજી સુધી મેળ નથી પડયો.(૨-૧)

(9:45 am IST)