Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

કાળુ નાણુ પકડવાની સાથે ટેક્ષ કલેકશન વધારવા માટે

૧૦ લાખથી વધુનો વહેવાર કરનારને સોર્સ પૂછશે આઈટી વિભાગઃ ટેક્ષ ચોરી કરનારને લેશે સાણસામાં

નવી દિલ્હી, તા. ૧૯ :. કાળુ નાણુ પકડવાની સાથે સાથે ટેક્ષ કલેકશન પણ વધારવાના ઉદ્દેશથી હવે આવક વેરા વિભાગે નવુ અભિયાન શરૂ કર્યુ છે. જે લોકોએ ૧૦ લાખ રૂપિયાથી વધારેનું ટ્રાન્જેકશન કર્યુ છે તેમને નોટીસો મોકલાઈ રહી છે અને તેમને પૈસાનો સ્ત્રોત પુછવામાં આવી રહ્યો છે. આવક વેરા વિભાગનું કહેવું છે કે, યોગ્ય જવાબ ન મળે તો વિભાગ તરત કાર્યવાહી કરશે અને ટેક્ષ ચોરીના આરોપમાં દંડ વસુલ કરશે.

સૂત્રો અનુસાર આવક વેરા વિભાગે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ૧૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધારેનું ટ્રાન્ઝેકશન કરનારા બધા લોકોનું લીસ્ટ બનાવ્યું છે. તેમાં જમીન અથવા મકાનનું ખરીદ-વેચાણ, સોનુ અથવા બીજા સામાનની ખરીદી અથવા પછી રોકડ ટ્રાન્ઝેકશન પણ સામેલ છે. હવે આ લોકોને તેનો સ્ત્રોત પુછાઈ રહ્યો છે.

બેશક, તેમા કેટલાક લોકોએ પોતાના રીટર્નમાં તેની માહિતી આપેલી છે પણ આવક વેરા વિભાગ જાણવા માંગે છે કે તેમની પાસે આટલા નાણા આવ્યા કયાંથી ? એટલે કે તેનો સ્ત્રોત શું છે ? આવક અને ખર્ચનો તાળો મેળવાઈ રહ્યો છે. ઘણા કેસમાં આવકની સરખામણીમાં અનેક ગણા ખર્ચની બાબતો બહાર આવી છે.(૨-૨)

(9:49 am IST)