Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ન્યૂઝીલેન્ડ નરસંહારઃ ૩૪લોકો હજુ સારવારમાં

મૃત્યુ આંક પ૦ થયોઃ જે મસ્જીદમાં ગોળીબાર થયો ત્યાં શુક્રવારના વિશેષ પ્રવચન આપવા આવેલા મૌલાના મુસા પટેલનું પણ સારવારમાં નિધન થતા ભારતના સુન્ની ઉલેમાઓમાં આઘાતની લાગણી

મુંબઇ તા. ૧૮ :.. ન્યુઝીલેન્ડ દેશના ક્રાઇસ્ટ ચર્ચ નામના શહેરમાં આવેલ મસ્જીદ અલ-નૂરમાં એક ઓસ્ટ્રેલીયન યુવાને કરેલા ગોળીબારમાં શુક્રવારના સમયે વિશેષ નમાઝ પઢવા એકત્ર થયેલા સુન્ની મુસ્લિમ બિરાદરો ભોગ બન્યા છે. જેમાં ખાસ કરીને ફીજી દેશમાં સ્થાયી મુળ ભારતીય વિદ્વાન ઇસ્લામિક સ્કોલર મૌલાના મુસા પટેલ કાદરી રઝવી પણ આ હૂમલાનો ભોગ બની જતા મુંબઇ સહિતના દેશના અનેક સુન્ની ઉલેમાઓએ આઘાત વ્યકત કર્યો છે.

તેઓ ન્યુઝીલેન્ડમાં ધાર્મિક પ્રવાસે આવ્યા હતા અને અલ-નૂર મસ્જીદમાં શુક્રવારના દીને તેઓનું વિશેષ બયાન યોજાયું હતું તેઓ ઉત્તર પ્રદેશના બરૈલી શહેરમાં ઉચ્ચ તાલીમ મેળવી હતી જેઓને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયા હતા જયાં સારવાર વેળા તેઓનું શનિવારે નિધન થયું હતું.

અન્ય અહેવાલ મુજબ ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં નરસંહારની ઘટનાના એક દિવસ બાદ ન્યુઝીલેન્ડમાં અજંપાભરી સ્થિતિ રહી હતી. ન્યુઝીલેન્ડમાં લોકો મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે તથા મૌન પાળવા માટે મેમોરિયલ સ્થળ ઉપર પહોંચ્યા હતાં. બીજી બાજુ વધુ એકના મોત સાથે મોતનો આંકડો વધીને પ૦ ઉપર પહોંચ્યો હતો. હત્યાકાંડની આ ઘટનાને લઇને હજુ પણ આઘાતમાંથી લોકો બહાર આવ્યા નથી. ઊંડી તપાસનો દોર ચાલી રહ્યો છે.

મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હવે પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓના કહેવા મુજબ ૩૪ લોકો હજુ પણ સારવાર હેઠળ છે જે પૈકી કેટલાક લોકો હજુ પણ ગંભીર જણાવવામાં આવ્યા છે. અનેક દેશોના નાગરીકોના આમા મોત થયા છે. જેમાં ભારતના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અને ગુજરાતના અંદાજે ૧પ જેટલા નગારીકોનો સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. આ  ઘટના પછી હવે નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે.

હત્યારાએ જામીન નહીં લેવાની વાત કરી છે જેથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા અન્ય એક વ્યકિતને આજે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

દુનિયાના જુદા જુદા દેશોમાં રહેતા લોકોએ તેમના પરિવારને લઇને માહિતી મેળવવાના અવિરત પ્રયાસો જારી રાખ્યા છે. ન્યુઝીલેન્ડ સરકાર મૃતકોને તેમના સંબંધિત દેશોમાં મોકલવાની કવાયતમં પણ લાગી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હૂમલો અલ-નૂર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો.

(3:43 pm IST)