Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

૭૦ લાખ હતી ખર્ચની લીમીટ ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતના એકપણ ઉમેદવારે નિર્ધારિત બજેટની બહાર ખર્ચ કર્યો ન્હોતો

મનસુખ વસાવાએ ૬૭.૩૧ લાખ, શંકરસિંહે ૬૫.૬૦ લાખ, દર્શના જરદોશે ૨૫.૩૯ લાખ, કિરીટ સોલંકીએ ૨૯.૧૨ લાખ, હિંમતસિંહ પટેલે ૨૦ લાખનો ખર્ચ કર્યો હતો

નવી દિલ્હી તા. ૧૮ : ભારતમાં ચૂંટણી ટાણે ઉમેદવારો ભવ્ય પ્રચાર કરવામાં કોઈ કસર રાખતાં નથી તેમ છતાં તેમની પાસે જાણે કોઈ અલૌકિક શકિત હોય તેમ પ્રચારનો ખર્ચ નિર્ધારિત બજેટની બહાર પણ નથી જતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકોના ઉમેદવારોમાંથી એકેય ઉમેદવારે ચૂંટણી પંચ દ્વારા પ્રચાર ખર્ચ પેટે નક્કી કરવામાં આવેલો રૂપિયા ૭૦ લાખનો આંકડો પાર નહોતો કર્યો. પ્રચાર પાછળ સૌથી વધુ રૂપિયા વાપરતા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ ૬૭.૩૧ લાખ રૂપિયા જ ખર્ચ્યા હતા. ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા મનસુખ વસાવા આ મામલે દેશમાં બીજા ક્રમે રહ્યા હતા.

પ્રચાર પાછળ સૌથી વધુ રૂપિયા ખર્ચવાનો તાજ કોંગ્રેસના ગૌરવ ગોગોઈના શિરે જાય છે. આસામની કાલિઆબોર બેઠક પરથી ચૂંટણી લડેલા ગૌરવ ગોગોઈએ બરાબર ૭૦ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. ગુજરાતની રાજનીતિના કુશળ યોદ્ઘા ગણાતા બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રચાર પાછળ ૬૫.૬ લાખ રૂપિયા વાપર્યા હતા. કોંગ્રેસની ટિકિટ પર સાબરકાંઠાથી ચૂંટણી જંગમાં ઉતરેલા શંકરસિંહ પ્રચાર ખર્ચમાં ગુજરાતમાં બીજા ક્રમે રહ્યા. ગુજરાતમાંથી મનસુખ વસાવા અને શંકરસિંહ બંને એવા ઉમેદવારો હતા જેમનો ખર્ચો ૯૦% સુધી પહોંચ્યો હતો. બાકીના ઉમેદવારોની કરકસર અવિશ્વસનીય રહી.

સુરતની બેઠક પર વિજય પ્રાપ્ત કરનારા ભાજપના ઉમેદવાર દર્શના જરદોશનો પ્રચાર ખર્ચ ૨૫.૩૯ લાખ રૂપિયા એટલે કે નક્કી કરેલી લિમિટના ૩૬% જેટલો જ હતો. દર્શનાબેન જરદોશે કહ્યું, 'હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. ઘણા ધારાસભ્યોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરીને મારી મદદ કરી હતી. પાર્ટી પણ મહિલા ઉમેદવારોની મદદ કરે છે. આ બધા જ પરિબળોના કારણે પ્રચાર પાછળ ઓછો ખર્ચ કર્યો હોવા છતાં હું ૫.૩૩ લાખ મત સાથે જીતી ગઈ.' મળેલી વિગતો મુજબ મહેસાણાના ડો. જયશ્રી પટેલને ચૂંટણી પ્રચાર માટે માત્ર ૨૮.૫ લાખ રૂપિયાની જ જરૂર પડી.

અમદાવાદ (પશ્યિમ)ના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ ૨૯.૧૨ લાખ રૂપિયા જ વાપર્યા. ડો. સોલંકીએ જણાવ્યું, 'મેં ગ્રુપ મીટિંગ કરી તેમજ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. આ કારણે ખર્ચો ઓછો થયો. મેં પોસ્ટર્સના બદલે પેમ્ફલેટ પર પસંદગી ઉતારી.' કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ખરેખર ખૂબ જ ઓછો કહી શકાય તેટલો ખર્ચ પ્રચાર પાછળ કર્યો. વિગતો પ્રમાણે, નવસારીના ઉમેદવાર મકસુદ મિર્ઝાએ માત્ર ૯.૭૧ લાખ રૂપિયા વાપર્યા, જયારે અમદાવાદ (પશ્ચિમ)ના કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર મકવાણાએ ૯.૭૩ લાખ રૂપિયા ખર્ચો કર્યો. અમદાવાદ (પૂર્વ)માંથી ચૂંટણી જંગમાં ઉતરેલા હિમ્મતસિંહ પટેલે ૨૦ લાખ સુધીનો ખર્ચ કર્યો. જો કે હિમ્મતસિંહે દાવો કર્યો તેમણે માત્ર ૧૯ લાખ રૂપિયા જ ખર્ચ્યા હતા અને ચૂંટણી પંચને ખોટો આંકડો મળ્યો છે.

જો કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ સ્વીકાર્યું કે, ચૂંટણી પંચે આપેલી મર્યાદામાં રહીને ખર્ચો કરવાનો હતો એટલે થોડી કરામત જરૂરી હતી. સ્ટાર પ્રચારકોને બોલાવવા અને રેલીનો ખર્ચો જે-તે પાર્ટીના ખાતામાંથી કરવામાં આવ્યો. કોંગ્રેસના એક આગેવાનના જણાવ્યા મુજબ, 'ચા-નાસ્તો અને જમવાનો ખર્ચ પાર્ટીના કાર્યકરોના ખાતામાંથી દર્શાવાયો નહીં કે ઉમેદવારના ખાતામાંથી.' ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સ્નેહમિલન કાર્યક્રમ યોજે છે જેમાં ભવ્ય જમણવાર રાખવામાં આવે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, 'સ્નેહમિલનનો ખર્ચ ખૂબ વધારે હોય છે પરંતુ અહીં ઉમેદવારને મહેમાન તરીકે બોલાવાય છે યજમાન તરીકે નહિ. આ જ રીતે ઉમેદવારો ધાર્મિક પ્રસંગોના ભાગરૂપે થતી ઉજવણીઓનો ખર્ચ કરે છે પણ તેમને મહેમાન તરીકે જ દર્શાવાય છે.'

(11:27 am IST)