Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભાની ચૂંટણી ઉપર ઐતિહાસિક ૨ લાખ કરોડનો સટ્ટો

બજેટની જોગવાઈઓ અને એર સ્ટ્રાઈકથી સટ્ટાબજાર ભાજપ-એનડીએની તરફેણમાં: પ્રિયંકાનું આગમન બેઅસર રહેવાની સંભાવનાઃ જો રાષ્ટ્રવાદનું મોજુ ચાલ્યુ તો ભાજપને એકલા હાથે ૨૫૦થી વધુ બેઠકોઃ સવર્ણ અનામત, એર સ્ટ્રાઈક અને બજેટની જોગવાઈએ ભાજપની તરફેણમાં: બુકીઓએ ખાસ એપ બનાવી

મુંબઈ, તા. ૧૮ :. લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટાબજારમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ હારજીતના ભાવ લાગવા લાગ્યા છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણી દરમિયાન લગભગ બે લાખ કરોડ રૂપિયાનો સટ્ટો રમાઈ તેવી શકયતા છે.

 

સટ્ટાબજારના જાણકારોનું કહેવુ છે કે, એનડીએ સરકાર વિરૂદ્ધ જે નારાજગી હતી અને ભાજપને ૧૮૦ થી ૧૮૫ બેઠકો મળવાનું અનુમાન હતુ પરંતુ બજેટની જાહેરાતો અને એર સ્ટ્રાઈક બાદ ભાજપને ૨૦૦થી ૨૧૦ બેઠકો મળવાનું અનુમાન છે. સટ્ટાબજારના કહેવા મુજબ આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો ભાવ સૌથી વધુ છે. એર સ્ટ્રાઈક ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

સટ્ટાબજાર માને છે કે રાષ્ટ્રવાદની હવા ચાલી તો ભાજપ ૨૫૦નો આંકડો પાર કરી લેશે. સૂત્રોના કહેવા મુજબ રોજેરોજ ચઢાવ-ઉતાર સાથે ભાવો બદલાય રહ્યા છે. સટ્ટાબજાર પ્રિયંકા ગાંધીના મેદાનમાં ઉતરવાથી બધુ ઉત્સાહીત નથી. જો કે આનુ કોઈ કારણ કોઈ બુકી જણાવતા નથી. બુકીઓ કહે છે કે, ભાજપ સ્વભાવોમાં રાષ્ટ્રવાદની હવા બનાવવામાં કોઈ કસર બાકી નહી રાખે અને કહેશે કે પાંચ વર્ષ વધુ મળશે તો પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશું. આનાથી રાષ્ટ્રવાદની લહેર વધુ ઉગ્ર બનશે.સટ્ટાબજારના જાણકારોનું કહેવુ છે કે, જે મુદ્દાએ સટ્ટાનું વલણ ભાજપ તરફ ફેરવ્યુ તેમા સવર્ણોને અનામત, લોકલુભાવન બજેટ અને સર્જીકલ સ્ટ્રાઈક છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓથી બચવા માટે બુકીઓએ મોબાઈલ ફોન થકી ખાસ એપ બનાવી છે. તેના સર્વર પણ દુબઈ અને સિંગાપોરમાં છે. એવામા કોઈ બુકી કે સટ્ટો લગાવનાર પંટર પકડાઈ જાય તો વિદેશી સર્વરથી લેવડદેવડના આંકડા સમયસર ટ્રાન્સફર થઈ જશે. જાણકારોનું એવુ પણ કહેવુ છે કે મોજુદ વોલેટ પણ સટ્ટાબાજો માટે સુવિધાજનક છે. સટ્ટાબજારનું એવુ પણ કહેવુ છે કે રમઝાનમાં વોટીંગનો ભાજપને ફાયદો થશે. રોઝાને કારણે મુસ્લિમ મતદારો આકરા તાપમાં લાંબી કતારોમાં ઉભા રહેવાનું પસંદ નહિ કરે. આ લોકોનું એવુ પણ કહેવુ છે કે, ૯ કરોડ યુવા મતદારો છે. ૨ કરોડ લોકો પહેલીવાર મત આપશે. રાષ્ટ્રવાદની લહેર તેમના પર અસર પાડશે.

દરમિયાન રાજસ્થાન સટ્ટાબજારમાં ભાજપને ૨૫૦થી ઉપર અને એનડીએને ૩૦૦ બેઠકો મળશે તેવુ જણાવાયુ છે. કોંગ્રેસને ૭૨થી ૭૪ બેઠકો મળશે તેવુ કહેવાયુ છે.(૨-૬)

ભાજપનો ભાવ

૨૪૦ બેઠકો પર

૨૩ પૈસા

૨૪૫ બેઠકો પર

૪૨ પૈસા

૨૫૦ બેઠકો પર

૧ રૂપિયો

૨૫૫ બેઠકો પર

૧.૪૦ રૂ.

કોંગ્રેસનો ભાવ

૬૦ બેઠકો પર

૨૮ પૈસા

૬૫ બેઠકો પર

૬૭ પૈસા

૭૦ બેઠકો પર

૧ રૂપિયો

૭૫ બેઠકો પર

૧.૬૦ રૂ.

(11:25 am IST)