Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાક. ઉપર મિસાઈલો-પરમાણુ સબમરીનથી હુમલાની તૈયારીમાં હતુ ભારત

અભિનંદનને પકડી લેવાતા ભારતે પાકિસ્તાન ઉપર ૬ મિસાઈલો છોડવાની ચેતવણી આપી હતીઃ અરબી સમુદ્રમાં પરમાણુ સબમરીન પણ તૈનાત કરી દીધી હતીઃ મોદી અને સરકાર આકરા પાણીએ હતાઃ ભારતના ઉગ્ર મિજાજથી અમેરિકા, ચીન, બ્રિટન, યુએઈ સહિતના દેશોનું ટેન્શન વધી ગયુ હતું: અમેરિકાની મધ્યસ્થીથી મામલો ઠંડો પડયો હતોઃ સનસનીખેજ વિગતો બહાર આવી

નવી દિલ્હી, તા. ૧૮ :. વિંગ કમાન્ડર અભિનંદન પકડાયા બાદ ભારતે પાકિસ્તાન ઉપર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી. જો કે અમેરિકાના હસ્તક્ષેપ બાદ ભારતે હુમલાની શરૂઆત ન કરવાનો ફેંસલો લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને દેશો વચ્ચે વધતી દુશ્મનીમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે ભારતે પાકિસ્તાન ઉપર ૬ મિસાઈલો છોડવાની ચેતવણી આપી હતી.

મળતા અહેવાલો મુજબ ભારતની એર સ્ટ્રાઈકના પછીના દિવસે એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ પાક વાયુદળ દ્વારા સીમાનું ઉલ્લંઘન કર્યા બાદ ભારતે પાકિસ્તાનને સીધા હુમલાની ધમકી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આઈએસઆઈના પ્રમુખ અસીમ મુનીર સાથે વાત કરી હતી. ડોભાલે આકરા શબ્દોમાં કહ્યુ હતુ કે, પાઈલોટ અભિનંદન ભલે તમારા કબ્જામાં હોય પરંતુ આતંકી સંગઠનો વિરૂદ્ધ ભારતનું વલણ બદલાવાનું નથી. જો પાકિસ્તાન નહીં સુધરે તો તેના પર મિસાઈલોથી હુમલો કરવામાં આવશે.

બન્ને વચ્ચે ટેન્શન વધી રહ્યુ હતુ ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉતર કોરીયાના તાનાશાહ સાથે હનોઈમાં બેઠક કરી રહ્યા હતા. આમ છતા આ મામલાની સંવેદનશીલતા જોતા અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન અને વિદેશ મંત્રી માઈક પોમ્પીયો ભારતના સંપર્કમાં હતા. ભારતમાં તૈનાત એક વિદેશી રાજનેતાના કહેવા મુજબ અમેરિકાનો પહેલો પ્રયાસ પાઈલોટ અભિનંદનને છોડાવવાનો હતો અને તેણે ભારત પાસેથી ખાત્રી મેળવી હતી કે તે પાકિસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલોનો ઉપયોગ ન કરે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોમ્પીયોએ પાક વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી અને ભારતના સુષ્મા સ્વરાજ સાથે ફોન ઉપર વાત કરી હતી. અમેરિકા જ નહિ પરંતુ ચીન, યુએઈ બીજા દેશોએ પણ ટેન્શન ઘટાડવા માટે પ્રયાસો કર્યા હતા. ભારત એક જ વસ્તુ ઉપર અડગ હતુ કે, જો પાઈલોટને નહિ છોડાઈ તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જો નહિ છોડાઈ તો મિસાઈલોથી હુમલો થશે.

ભારતે ૬ મિસાઈલો છોડવાની ચેતવણી આપી હતી. પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા માટે નૌકાદળે પણ પોતાની પરમાણુ સબમરીનને અરબી સમુદ્રમાં તૈનાત કરી હતી. ભારતની ચેતવણી બાદ પાકિસ્તાન નરમ પડયુ હતુ તો બીજી તરફ પાકિસ્તાને પણ એવા લવારા કર્યા હતા કે અમે પણ મિસાઈલો છોડશું. પરમાણુ હથીયારોથી સજ્જ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થવાથી અમેરિકા, બ્રિટન, ચીન વગેરે ચિંતાતુર હતા. ૨૦૦૮ બાદ પહેલીવાર મામલો ગરમ થયો હતો, પરંતુ અમેરિકાએ આ યુદ્ધના સંજોગો ટાળી દીધા હતા.

(10:08 am IST)