Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જ્યારે મનોહર પર્રિકરે એક ઝાટકે પેટ્રોલની કિંમતમાં રૂ. ૧૧નો ઘટાડો કરી દીધો હતો

મનોહર પર્રિકર બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલા હતા : પ્રથમ ચૂંટણી વર્ષ ૧૯૯૧માં લડી હતી પરંતુ કોંગ્રેસના હરીશ જાંયતે સામે તેમણે હારનો સામનો કરવો પડયો હતો

પણજી તા. ૧૮ : ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પારિકરનું રવિવારે નિધન થઈ ગયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ ત્રણ વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચુકયા છે. પારિકરને તેમની સાદગી અને ઇમાનદારી માટે યાદ કરવામાં આવે છે. આખા દેશમાં તેઓ ખૂબ જ લોકપ્રીય હતા. તેમની લોકપ્રિયતા કેટલી હતી તેની સાબિતી એ વાત પરથી આપી શકાય કે જયારે વર્ષ ૨૦૧૭માં બીજેપી ગોવા વિધાનસભામાં બહુમતથી દૂર હતી ત્યારે બીજા દળોએ પારિકરને સીએમ બનાવવાની શરતે જ સમર્થન આપ્યું હતું.

મનોહર પારિકર બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલા હતા. તેમણે પ્રથમ ચૂંટણી વર્ષ ૧૯૯૧માં લડી હતી પરંતુ કોંગ્રેસના હરીશ જાંયતે સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૧૯૯૪માં તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જૂન ૧૯૯૯માં તેઓ વિપક્ષના નેતા બન્યા હતા.

૨૪મી ઓકટોબર, ૨૦૦૦માં તેઓ પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૫માં ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ તેમની સરકાર પર સંકટ આવ્યું હતું પરંતુ એક જ મહિનામાં તેમણે વિશ્વાસ મત સાબિત કરી દીધો હતો.

૨૦૧૨માં પારિકર બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે તેઓ સીએમની ખુરશી પર બેસતાની સાથે જ તેમણે પેટ્રોલની કિંમતમાં એકસાથે રૂ. ૧૧નો ઘટાડો કરી દીધો હતો. આ સાથે જ તેમણે પેટ્રોલની કિંમત તળીયે લાવી દીધી હતી. આ બદલ આખા દેશમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી.

તેમણે ગૃહ આધાર (ગૃહિણીઓને દર મહિના આર્થિક મદદ) અને લાડલી લક્ષ્મી (છોકરીના લગ્ન માટે આર્થિક મદદ) જેવી યોજનાઓ શરૂ કરી હતી. આ યોજનાઓને પાછળની અનેક રાજયોએ અપનાવી હતી.(૨૧.૯)

(10:06 am IST)