Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોદીએ નામ પહેલા હવે ચોકીદાર ઉમેરતા ટોપના લીડરો મોદી માર્ગે

ચોકીદાર પ્રવાહ ઝડપથી દેશભરમાં આગળ વધે તેવા સંકેતો : ટ્વિટર ઉપર મોદીનું નામ ચોકીદાર નરેન્દ્ર મોદી થયું : અમિત શાહ, ગોયેલ, રમણસિંહ, નડ્ડા સહિતના ઘણા નેતાએ પણ નામોની આગળ ચોકીદાર ઉમેર્યું

નવીદિલ્હી, તા. ૧૭ : વર્ષ ૨૦૧૪માં ચાવાળા શબ્દ પછી હવે ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી ચોકીદાર શબ્દનો ઉપયોગ કરીને લાભ ઉઠાવવામાં લાગી ગઈ છે. જુદી જુદી રેલીમાં પોતાને ચોકીદાર કહેનાર વડાપ્રધાન મોદીએ શનિવારના દિવસે મેં હું ચોકીદાર વિડિયો જારી કર્યો હતો. હવે વડાપ્રધાને ટ્વિટર ઉપર પોતાના નામથી પહેલા ચોકીદાર શબ્દનો ઉપયોગ કરી લીધો છે. ટ્વિટર ઉપર હવે તેમનું નામ ચોકીદાર નરેન્દ્ર મોદી થઇ ગયું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ જે રીતે ચોકીદાર ચોર હૈ શબ્દનો ઉપયોગ કરીને ભાજપને ભીંમાં લેવાના પ્રયાસમાં છે ત્યારે મોદીએ આ શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસી નેતાઓને વળતા જવાબો આપવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે. મોદીએ તેમના નામ પહેલા ચોકીદાર શબ્દનો ઉપયોગ કરી લીધા બાદ આને લઇને ઝડપથી ભાજપમાં ઘડનાક્રમનો દોર બદલાયો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓએ તેમના નામ પહેલા ચોકીદાર શબ્દનો ઉપયોગ કરી લીધો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ પણ નરેન્દ્ર મોદી નજરે પડે છે. મોદીની સાથે અમિત શાહ, રેલવેમંત્રી પીયુષ ગોયેલ અને ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયા દ્વારા પણ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરી દીધા છે. આ ઉપરાંત જેપી નડ્ડા, રમણસિંહ, પૂનમ મહાજન સહિત અનેક મોટા નેતાઓએ પણ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરી ચુક્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર હેઠળ ભાજપે એક વિડિયો લોંચ કર્યો હતો. ૩.૪૫ મિનિટના આ વિડિયોમાં મે ભી ચોકીદારનો નારો અપાયો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ટકોર ચોકીદાર ચોર હેના જવાબમાં મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, તેઓ એકલા ચોકીદાર નથી. તેમણે લખ્યું છે કે, જે પણ ભ્રષ્ટાચારની સામે લડી રહ્યા છે તે ચોકીદાર છે. મોદીના ટ્વિટ બાદ અનેક ભાજપ નેતાઓએ મે ભી ચોકીદારનો પ્રયોગ કરી દીધો છે. ત્યારબાદ ચોકીદાર ફરીથી મેં ભી ચોકીદાર જેવા હેસડેગ ટોપ ટ્રેન્ડમાં નજરે પડે છે.

ભાજપના મેં ભી ચોકીદાર વિડિયો ઉપર કોંગ્રેસ પાર્ટીએ ગઇકાલે આક્રમક વલણ અપનાવ્યું હતું. શનિવારના દિવસે રાહુલ ગાંધીએ એક ફોટો શેયર કરીને રક્ષાત્મક ટ્વિટ કરીને અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં મોદીની સાથે નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાના ફોટા દર્શાવવામાં આવ્યા હતા. આમા ગૌત્તમ અદાણી અને અનિલ અંબાણી પણ ફોટામાં નજરે પડી રહ્યા હતા.

(8:39 am IST)