Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પારીકરના દુખદ નિધન બાદ રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમોદી, રાહુલ અને અન્ય નેતાઓએ દુખ વ્યક્ત કર્યું : મનોહર પારીકર સાદગી-ઇમાનદારી માટે જાણિતા હતા

નવીદિલ્હી, તા. ૧૭ : ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરના અવસાનથી આઘાતનું મોજુ ફરી વળ્યું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોના નેતાઓએ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન ઉપર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે મનોહર પારીકરના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, લોકો મનોહર પારીકરને તેમની સાદગી અને ઇમાનદારી માટે ઓળખતા હતા. તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. મનોહર પારીકરે ગોવા અને દેશની સંપૂર્ણ ઇમાનદારી અને ગૌરવ સાથે સેવા કરી હતી. તેમના પરિવાર પ્રત્યે તેઓ સંવેદના વ્યક્ત કરે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મનોહર પારીકરના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું છે કે, તેઓએ પૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. તેમના લોકો માટે પારીકર હમેશા કટિબદ્ધ હતા. છેલ્લે સુધી ફરજ અદા કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા વાઢેરા અને અન્ય કોંગ્રેસી નેતાઓએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે. પારીકરના અવસાનથી  જુદા જુદા પક્ષ તરફથી પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પણ પારીકરના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે.

શશી થરુરે કહ્યું છે કે, રાજકારણમાં આઈઆઈટી ગ્રેજ્યુએટ થયેલા મનોહર પારીકર ખુબ ઓછા શિક્ષિત લોકો પૈકીના એક હતા. પોતાની સાદગીના કારણે તેઓ હંમેશા જાણિતા રહ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ પારીકરના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે.

(12:00 am IST)