Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન

ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને જીવંત રાખવા માટે તૈયાર

કોંગ્રેસ બેરોજગારી, ખેડૂતોના મુદ્દાને ઉઠાવશે : લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના મુખ્ય મુદ્દાઓ કયા રહેશે તેને લઇને શરૂઆતથી જ સંકેતો મળ્યા

નવી દિલ્હી,તા. ૧૭ : લોકસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તમામ તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં અનેક મુદ્દાઓ જોરદારરીતે ઉઠાવવામાં આવે તેવ શક્યતા છે. રાષ્ટ્રવાદની ભાવના વચ્ચે અન્ય કયા મુદ્દા લોકોમાં ચર્ચા જગાવશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ છે. જાણકાર લોકોના કહેવા મુજબ પુલવામાં આતંકવાદી હુમલા અને ત્યારબાદ તેના જવાબી પગલારુપે ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં કરવામાં આવેલા હવાઈ હુમલાને લઇને રાષ્ટ્રવાદની લહેર દેશમાં ફેલાઈ હતી. આવી સ્થિતિમાં અન્ય મુદ્દાઓ ગૌણ દેખાઈ રહ્યા છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દાને કોઇરીતે દબાવી દેવાના પ્રયાસમાં છે અને સામાન્ય મુદ્દાઓ પર લોકોનું ધ્યાન ખેંચવા ઇચ્છુક છે જેમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યાનો સમાવેશ થાય છે. નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓને લઇને કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર ઉપર પ્રહાર કરવાના પ્રયાસમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની લહેરને જીવંત રાખીને આ મુદ્દા ઉપર જ ફરી એકવાર લોકસભાની ચૂંટણી જીતવા માટેના પ્રયાસમાં છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ઢંઢેરાને લઇને મથામણ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મુખ્ય મુદ્દા તરીકે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઇ શકે છે. દેશની સુરક્ષાના મુદ્દા ઉપર આક્રમક વલણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારમાં અપનાવી રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધી અને કોંગ્રેસી નેતાઓ આ મુદ્દાનો સામનો કરવા માટે હજુ સુધી કોઇ નક્કર મુદ્દાને ચગાવી શક્યા નથી. આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીમાં ચોકીદાર શબ્દના મુદ્દાને પણ ભાજપ અને કોંગ્રેસ પોતપોતાનીરીતે જોરદાર રીતે ચગાવવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી મુખ્યરીતે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર લડવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર મુખ્યરીતે આગળ વધશે.

 

(12:00 am IST)