Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સતત ચોથી વખત રશિયાના રાષ્‍ટ્રપ્રમુખ બનતા પુતિનઃ ૭૬ ટકા મત સાથે ચૂંટણી જીત્યાઃ હરીફ ઉમેદવાર પોવેલ ગ્રુડિનીનને મળ્યા માત્ર ૧૧.૨ ટકા મત

મોસ્‍કોઃ રવિવારે યોજાયેલી રાષ્‍ટ્રપ્રમુખની ચૂંટણીમાં સતત ચોથી વખત પુતિન જીત્યા છે. તેઓ ૭૬ ટકા મત સાથે ચૂંટણી જીતીને ટોચ પર રહ્યા છે. આ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે પુતિન 73.9 ટકા મત સાથે ચોથી વખત દેશના રાષ્ટ્રપ્રમુખ બની રહ્યા છે.

રશિયાની સરકારી ચૂંટણી સર્વેક્ષણ એજન્સી VTSIOM તરફથી કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં દેશના આશરે 1200 મતદાન મથકો પરથી આંકડા લેવામાં આવ્યા હતા. જેના પ્રમાણે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં પુતિન વિરુદ્ધ ઉભા રહેલા કોમ્યુનિસ્ટ ઉમેદવાર પોવેલ ગ્રુડિનિન ફક્ત 11.2 ટકા વોટ સાથે બીજા નંબરે રહ્યા છે. જોકે, મતગણતરી બાદ પોવેલના 12% મત મળ્યા હતા.

રશિયન સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે મોટા પ્રમાણમાં વોટિંગ થયું હતું. જ્યારે વિપક્ષ ચૂંટણીમાં ગરબડના આરોપ લગાવી રહ્યું છે. પુતિન સામે ચૂંટણીમાં સાત ઉમેદવાર ઉભા હતા. તેના મુખ્ય વિરોધી એલેક્ઝઈ નવલની પર કાયદાકીય કારણોને લઈને ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. કારણે ચૂંટણીના પરિણામ પુતિનના પક્ષમાં આવશે તેવો કયાસ પહેલાથી લગાવવામાં આવતો હતો.

પુતિન વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ પદ માટે પસંદ કરાયા હતા. પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પુતિને વિપક્ષના અવાજને દબાવીને, ટીવી પર સરકારી નિયંત્રણ લાદીને તેમજ વિદેશમાં રશિયાની તાકાતની ફરી સ્વીકૃતિ કરાવીને વિશ્વના સૌથી મોટા દેશ પર પોતાનો અધિકાર કાયમ રાખ્યો છે.

દેશના 11.1 કરોડ નાગરિકોએ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રશિયામાં રાષ્ટ્રપ્રમુખનો કાર્યકાળ વર્ષનો હોય છે. એટલે કે પુતિન છેલ્લા 18 વર્ષથી રાષ્ટ્રપ્રમુખના પદ પર રહ્યા છે. હવે તેઓ 2024 સુધી રશિયના રાષ્ટ્રપ્રમુખના પદ પર રહશે.

(5:31 pm IST)