Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પ્રચંડ બહુમતિ સાથે પુતિન ૪ થી વખત સત્તારૂઢ

સાથે મળી રશિયાને ફરી મહાન રાષ્ટ્ર બનાવવું છે : ૮ હરીફોમાં ૭૩ ટકાથી પણ વધુ મતો મેળવી વ્લાદિમીર પુતિન લોખંડી પ્રમુખ તરીકે પ્રસ્થાપિત થયા

નવી દિલ્હી, તા. ૧૯:  રશિયાના પ્રમુખ પદે વ્લાદિમીર પુતિન ૭૩ ટકાથી વધુ રેકર્ડબ્રેક મતો મેળવી રશિયાના સર્વ સત્તાધીશ તરીકે ૪થી વખત વિજેતા બન્યા છે હવે તેઓ ૬ વર્ષ સુધી રશિયાના પ્રમુખપદે બીરાજશે.

પુતિને આ ભવ્ય વિજય મેળવ્યા બાદ રશિયનોનું જીવનસ્તર ઉંચુ લઇ આવ્યાનો અને રશિયાના સુરક્ષા વ્યવસ્થા સુધાર્યાનો દાવો કર્યો છે.

આ ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષના નેતા એલેકસી નવાલનીને બૈન કરી દેવામાં આવેલ. ચૂંટણી પૂર્વે કરાયેલ એકઝીટ પોલમાં પણ પુતિનને અન્ય ઉમેદવારોથી આગળ અને બીજા ઉમેદવારોની સરખામણીએ ૭૩.૯ ટકા વધુ મતો મેળવી રહ્યાનું બહાર આવેલ.

રશિયાના ૧ર૦૦ મતદાન કેન્દ્રોમાં આ એકિઝટ પોલમાં સામ્યવાદી ઉમેદવાર પોવેલ ગ્રુડિનિનને ૧૧.ર ટકા મતો સાથે બીજા નંબરે દર્શાવાયેલ.

રશિયાના મધ્ય ચૂંટણી પંચને આ ચૂંટણીમાં આંશિક રૂપે ગરબડો થયાની વાત કહેવામાં આવી પરંતુ બધું મળીને રશીયન ચૂંટણી પંચે આ ચૂંટણીને સામાન્ય પ્રક્રિયા મુજબ જ ચૂંટણી થયાનું માન્યું હતું.

પરિણામો પછી પોતાના ટેકેદારોને સંબોધતા પુતિને કહેલ કે એકતાને જાળવી રાખવી ખૂબ જરૂરી છે અને આપણે સહુ સાથે મળી માતૃભૂમિને ફરી મહાન બનાવવી પડશે.

પુતિનના સમર્થકો પુતિનની આ જીત માટે તેમનું પશ્ચિમી દેશો પ્રત્યેનું વલણ અને નિર્ણયોને જવાબદાર માને છે.

એક રશિયન સાંસદે પરિણામો પછી કહ્યું હતું કે હવે તો અમેરિકા અને બ્રિટન પણ સારી રીતે સમજી ગયા હશે કે તેઓ કોઇપણ પ્રકારે અમારા  દેશમાં થનારી ચૂંટણીઓ ઉપર અસર પાડી શકે તેમ નથી. પુતિનને ૭પ ટકા અને પાવેલ ગ્રુડિનિનને ૧૩.૩ ટકા મત મળ્યા છે.

(4:04 pm IST)