Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રૂપનારાયણ સોનકર નામના નવલકથાકારે ૨૦૧૩ની ફિલ્મમાં કથાની ચોરી કરી હોવાની ફરીયાદ દાખલ કરેલી

ક્રિશ -૩ કેસ : રાકેશ રોશન સાથે સમાધાન કરી લ્યો : લેખકને કોર્ટની સલાહ

નવી દિલ્હીઃ ક્રિશ-૩ કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કોપીરાઇટના ઉલ્લંઘનનો કેસ કરનાર દહેરાદૂનના લેખકને સલાહ આપી હતી કે એણે રાકેશ રોશન પાસે વાજબી ઓફર મૂકીને કેસનું સમાધાન કરવું જોઇએ. રૂપનારાયણ સોનકર નામના નવલકથાકારે ૨૦૧૬માં પોલીસ ફરિયાદ કરીને જણાવ્યું હતું કે ૨૦૧૩ની ફિલ્મમાં રાકેશ રોશને કેટલાક દૃશ્ય પોતાની નવલકથા સુઅરદાનમાંથી ઉઠાવ્યા છે.

જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચન્દ્રચુડની ખંડપીઠે રાકેશને સવાલ કર્યો હતો કે એ શા માટે નાણાં ચૂકવીને કેસ બંધ કરાવતો નથી, ત્યારે રાકેશ તરફથી હાજર થયેલા વકીલ મહેશ જેઠમલાનીએ જણાવ્યું હતું કે નવલકથાકાર તરફથી એમને કોઇ ઓફર મળી નથી. જો નવલકથાકાર વાજબી માગણી કરશે, તો અમે એ વિશે વિચાર જરૂર કરીશું. ખંડપીઠે સોનકરને પોતાની ઓફર રાકેશના વકીલને કરવાના આદેશ સાથે આ મામલાની સુનાવણી ૯મી એપ્રિલે કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.  આ મામલે ઉતરાખંડની હાઇ કોર્ટે ૨૦મી જુલાઇએ આપેલા ધરપકડના આદેશ પર સ્ટે મેળવવા માટે રાકેશ રોશને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી

(4:36 pm IST)