Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આવ ભાઈ “હરખા” આપણે બન્ને “સરખા” જેવો ઘાટ...

હવે રાજકીયપક્ષને મળતા વિદેશી ફંડની નહિ થાય તપાસ : ફાઇનાન્સ બિલ 2018 લોકસભામાં પસાર થયું

સરકારે વિદેશી કંપનીની પરિભાષા બદલી : બિલ કોઈપણ ચર્ચા વિના થયું પાસ

નવી દિલ્હી : રાજકીયપક્ષોને 1976 પછી મળેલ વિદેશી ફંડની હવે તપાસ નહિ થઇ શકે. આ સબંધે કાયદામાં સંશોધનને લોકસભામાં કોઈપણ ચર્ચા વગર પસાર કરી દેવાયું છે. લોકસભામાં વિપક્ષી પાર્ટીઓના વિરોધ વચ્ચે નાણા વિધેયક 2018માં 21 સંશોધનને મંજૂરી આપી દીધી છે. તેમાં એક સંશોધન વિદેશી ફન્ડ અધિનિયમ કાનૂન 2010થી સબંધિત હતું. આ કાનૂન વિદેશી કંપનીઓને રાજકીય પક્ષોને ફંડ આપવાથી રોકતું હતું .
  જન પ્રતિનિધિત્વ કાનૂન, જેમાં ચૂંટણી બાબતે નિયમ બનાવાયા છે, રાજકીય પક્ષોને વિદેશી ફંડ લેવા રોક લગાવતું હતું. ભાજપ સરકારે પહેલા નાણાં વિધેયક 2016 મારફત વિદેશી ફંડ નિયમન કાનૂન (એફસીઆરએ )માં સંશોધન કર્યું હતું જેનાથી પક્ષ માટે ફંડ લેવું સરળ બનાવી દીધું હતું. હવે 1976થી રાજકીય પક્ષોને મળનાર ફંડની તપાસની સંભાવનાને સમાપ્ત કરવા માટે તેમાં આગળ વધુ સંશોધન કરી દેવાયું છે
  ફાઇનાન્સ બિલ 2018માં કરાયેલ સંશોધનને લોકસભાની વેબસાઈટ પર સૂચિબદ્ધ કરાયું છે. તે મુજબ નાણાં અધિનિયમ, 2016ની કલમ 236ની પહેલા પેરેગ્રાફમાં 26 સપ્ટેમ્બર 2010ના શબ્દો અને આંકડાના સ્થાને 5 ઓગસ્ટ 1976 શબ્દ અને આંકડા વાંચી શકાય છે.
  પહેલાની તારીખથી કરાયેલ આ સંશોધનથી ભાજપ અને કોંગ્રેસ બંનેને જ 2014ના દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદાથી બચવામાં મદદ મળશે, જેમાં બંને પક્ષોને એફસીઆરએ કાનૂનના ઉલ્લંઘનમાં દોષી મનાયા હતા. એફસીઆરએ 1976માં પાસ કરાયો હતો, તેમાં (ભારતીય અને વિદેશી )કંપની જે વિદેશમાં રજિસ્ટ્રર્ડ છે અથવા તેની સંલગ્ન વિદેશમાં છે તેને વિદેશી કંપની માની છે. તેના સ્થાન પર બાદમાં સંશોધિત કરીને તેની જગ્યાએ એફસીઆરએ 2010 લવાયું છે .
   સરકારે નાણાં અધિનિયમ 2016 મારફત વિદેશી કંપનીની પરિભાષામાં બદલાવ કર્યો છે તેમાં કહેવાયું છે કે જો કોઈ કંપનીમાં 50 ટકાથી ઓછી શેયર રકમ વિદેશી એકમ પાસે છે તો તે વિદેશી કંપની કહેવાશે નહીં. આ સંશોધનને પણ સપ્ટેમ્બર 2010થી લાગુ કરાયુ છે. પાછલા સપ્તાહે જે સંશોધન લોકસભામાં પાસ કરાયું તેની પહેલા સુધી 26 સપ્ટેમ્બર 2010થી પહેલા જે રાજકીય પક્ષોને વિદેશી ફંડ મળ્યું હોય તેની તપાસ થઇ શકતી હતી .
  નાણાં કાનૂન 2016માં ઉપબંધ 233ના પાસ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્નેને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અપીલ પાછી ખેંચી લીધી છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બંને પક્ષોને વિદેશી ફંડ મામલે કાનૂનના ઉલ્લંઘન માટે દોષી ગણાવ્યા હતા.
  લોકસભાએ એપ્રોપ્રિએશન બિલ સાથે 2018-19ના વર્ષિક બજેટને પણ પાસ કરી દીધું છે. એપ્રોપ્રિએશન બિલ પાસ થયા બાદ સરકારી વિભાગોને ભારતની સંચિત ભંડોળથી ખર્ચ કરવાની અનુમતિ મળે છે, જયારે નાણાં વિધેયક પાસ થયા બાદ વેરા પ્રસ્તાવ અમલમાં આવે છે. બજેટને સદનમાં કોઈ ચર્ચા વગર પાસ કરી દેવાયું છે. જોકે સંસદમાં હાલના બજેટ સત્રમાં ત્રણ સપ્તાહનો સમય હતો, પરંતુ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ, અને વિપક્ષી પક્ષોના અન્ય મુદ્દાઓ લઈને હંગામાને કારણે બે સપ્તાહ કામકાજ વગર નીકળી ગયા હતા. વર્ષ 2000 બાદ આ ત્રીજી વખત બન્યું છે જયારે સંસદમાં ચર્ચા વગર બજેટ પસાર કરી દેવાયું છે.

(12:33 am IST)