Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચીને પ્રથમ વાર સ્વીકાર્યું, ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા

રશિયાની એજન્સીએ ૪૫ ચીની જવાનના મોતનો કર્યો હતો દાવો

નવી દિલ્હી તા. ૧૯ : લાઈન ઓફ એકચ્યૂલ કન્ટ્રોલ પર ભારત અને ચીનના સંબંધોમાં જામેલો બરફ ધીરે ધીરે પીગળી રહ્યો છે. ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા. ચીને ગત વર્ષ જૂનમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન માર્યા ગયેલા ૪ સૈનિકોની જાણકારી શેર કરી છે. આ લોહિયાળ અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થઈ ગયા હતા.

ચીનના કેન્દ્રીય સૈન્ય આયોગે કારાકોરમ પર્વત પર તૈનાત રહેલા ૫ ચીની સૈનિકોના બલિદાનને યાદ કર્યુ છે. પીએલએ શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેજિમેન્ટ કમાન્ડર કયૂઈ ફબાઓ, ચેન હોંગુન, જિયાનગોન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જૂઓન. જેમાં ચારના મોત ગલવાનની લોહિયાળ અથડામણમાં થયા. બાકી એકનું મોત રેસ્કયૂ સમયે નદીમાં વહેવાથી થયુ હતુ.

જો કે ચીન ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પીએલએ સૈનિકોના આંકડા ઘણા ઓછા ગણાવી રહ્યું છે. ગત દિવસોમાં નોર્ધન કમાન્ડના ચીફ લેફિટનેન્ટ જનરલ વાઈ કે જોશીએ જણાવ્યું હતું કે ગલવાનની અથડામણ બાદ ૫૦ ચીની સૈનિકોને વાહનોના માર્ફતે લઈ જવાયા હતા. આ ગલવાનમાં ચીની સેનાના ઘણા લોકો માર્યા ગયા હતા.

નોર્ધન કમાન્ડના ચીફ લેફિટનેન્ટ જનરલ વાઈ કે જોશીના જણાવ્યાનુંસાર ચીની સૈનિક ૫૦થી વધારે સૈનિકોને વાહનોમાં લઈ જઈરહ્યા હતા. પરંતુ તે ઘાયલ હતા કે માર્યા ગયા હતા તે કહેવું મુશ્કેલ છે. વાઈ કે જોશીએ કહ્યું હતુ કે રૂસ એજન્સી TASSએ ૪૫ ચીની જવાનમાં મર્યા હોવાની વાત કરી હતી. અને અંદાજો પણ આની આસપાસનો જ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જૂનમાં પૂર્વ લદ્દાથમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના પણ અનેક સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીને આને લઈને કોઈ સત્તાવાર આંકડા જારી નથી કર્યા.

(10:16 am IST)