Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પ્રદુષણ મામલામાં સુપ્રિમ કોર્ટમાં કરાયેલી સુનાવણી

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી નવા વિકલ્પ સૂચવે : સુપ્રિમ

નવી દિલ્હી, તા.૧૯ : દિલ્હીમાં પ્રદુષણના મામલામાં આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ફટાકડા ફોડવાથી પણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાય છે પરંતુ વાતાવરણને ખરાબ કરવામાં વાહનોની મોટી ભૂમિકા રહેલી છે. પ્રદુષણને રોકવા માટે દેશની સૌથી મોટી અદાલતે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પાસેથી સલાહની માંગ કરી છે. કોર્ટે કહ્યું હતું કે ગડકરી કોર્ટમાં આવીને પ્રદુષણ રોકવાના વિકલ્પ સૂચવે તે જરૂરી છે. ચીફ જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે મંત્રી ગડકરીની પાસે કેટલાક નવા આઈડિયા છે. અમે તેમને અપીલ કરીએ છીએ કે કોર્ટમાં આવીને પ્રદુષણ મુદ્દા પર કેટલાક વિકલ્પ સૂચવે. આ વિકલ્પો પર પણ હવે વાતચીત આગળ વધશે. ચીફ જસ્ટીસ બોબડેએ કહ્યું હતું કે અમે કેન્દ્રિય મંત્રીને અહીં આવવા માટે કોઈ આદેશ આપી રહ્યા નથી. અમારી અપીલ છે કે તેઓ અહીં આવીને નવા વિચારો અમારી સાથે શેયર કરે.

કોર્ટમાં આવીને કેન્દ્રિય મંત્રી વાત કરી શકે છે. પ્રદુષણ ઘટાડવાના હેતુસર તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ જાહેર પરિવહન વાહનો અને સરકારી વાહનોની જગ્યાએ તબક્કાવાર રીતે ઈલેકટ્રીક વાહનો લાવવાના મુદ્દા ઉપર પણ આજે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી સુપ્રિમ કોર્ટમાં આવી શકે છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. બોબડેના નેતૃત્વમાં બેચે કેટલાક સૂચન કર્યા હતા.

(7:54 pm IST)