Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રેલવે ટિકિટોના કાળાબજારથી વર્ષમાં ૧૦૦ કરોડનું આતંકી ફંડીંગ

નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ : ૬૦ લોકોની ધરપકડ

નવી દિલ્હી તા. ૧૯ : ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત ૬૦ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.

રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યકિત કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેકશન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એએનએમએસ, મૈક અને જગુઆર જેવા ગેરકાનૂની સોફટવેર IRCTCના લોગીન કૈપ્ચા, બુકીંગ કૈપ્ચા અને બૈંક ઓટિપીને બાઈપાસ કરે છે, જયારે સામાન્ય ગ્રાહકોને આ તમામ પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. તેમણે જણાવ્યું હતું કે, બુકીંગ પ્રક્રિયામાં આમ જોવા જઈએ તો, ૨.૫૫ મિનીટનો સમય લાગે છે, પણ આવા સોફટવેરનો ઉપયોગ કરતા માત્ર ૧.૪૮ મિનીટ જ લાગે છે.

રેલવે એજન્ટોને તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપતુ નથી, ગત બે મહિનામાં આરપીએફે લગભગ ૬૦ ગેરકાયદેસર એજન્ટોને પકડ્યા છે, જે આવા સોફટવેરની મદદથી ટિકિટ બુક કરતા હતા. તેથી સામાન્ય ગ્રાહકોને ટિકિટ બુક કરવામાં ખૂબ મુશ્કેલીઓ આવી રહી હતી.

(3:46 pm IST)