Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કોરોના ઇફેકટ

ટીવી-એસી-ફ્રીઝ-મોબાઇલ ફોન મોંઘા થશે આ મહિનાના અંતથી જ ભાવ વધારો

નવી દિલ્હી,તા.૧૯: ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના લીધે ટેલિવિઝન, એર -કંડિશનર્સ, રેફ્રિજરેટર્સ અને કેટલાક સ્માર્ટફોન મોડલ્સ આ મહિનાના અંત સુધીમાં મોંઘા થાય તેવી સંભાવના છે. કોરોના વાઇરસના કારણે ચીનથી આયાત થતા ઉપકરણો અને ફિનિશ્ડ પ્રોડકટની અછત વર્તાય છે.

ઇન્ડસ્ટ્રીના કેટલાક સિનિયર એકિઝકયુટિવ્સે જણાવ્યું હતું કે કંપનીઓ હાલમાં ડિસ્કાઉન્ટ અને કન્ઝયુમર પ્રમોશનલ ઓફર્સ ઘટાડો કરી રહી છે. તેના લીધે અંતિમ ભાવમાં ત્રણથી પાંચ ટકનો વધારો થશે. ટીવી જેવી પ્રોડકટમાં સાત થી દસ ટકા ભાવવધારો થશે. તેનું કારણ એ છે કે તેના મુખ્ય ઉપકરણ ટીવી પેનલની અછત છે અને તેનો આંતરરાષ્ટ્રીય ભાવ ૧૫થી ૨૦ ટકા વધ્યો છે.

એપલે સોમવારે સુધારેલા ઇન્વેસ્ટર ગાઇડન્સમાં જણાવ્યું છે કે વિશ્વ વ્યાપી આઇફોન સપ્લાય કામચલાઉ ધોરણે ઘટશે, કંપનીના ચીનમાં ભાગીદારે તેના ઉત્પાદનની ગતિ અપેક્ષા કરતાં વધારે ઝડપથી ઘટાડી છે. ઉદ્યોગના બે એકિઝકયુટિવ્સે જણાવ્યું હતું કે ભારતમાં એપલના વિતરકોએ ચાવીરૂપ ટ્રેડ પાર્ટનરોને સંકેત આપ્યો છેકે ભારતમાં આ પ્રોડકટની અછત અનુભવાઇ રહી છે અને તેનો ઉકેલ આગામી ૩૦ દિવસ સુધી આવે તેવી સંભાવના નથી.

એપલના એકસ્લુઝિવ રિટેલરના વડાએ જણાવ્યું હતું કે આ અછતના લીધે આઇફોન દ્વારા તેના ગ્રાહકોને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર અને સ્ટોર્સ પર છેલ્લા કેટલાક દિવસથી ઓફર કરવામાં આવતા ડિસ્કાઉન્ટનો અર્થ રહ્યો નથી. પછી ભલેને કંપની એમઆરપી જાળવી રાખે. તેમણે જણાવ્યું હતું કે આ માગ -પુરવઠાની સ્થિતિ છે. એપલ ઇન્ડિયાએ તેનો પ્રતિસાદ આપ્યો નથી. જાયાનીઝ એસી ઉત્પાદક ડાયકિને તાજેતરમાં રિટેલરોને જણાવ્યું છે કે કંપની સેલ્સ સપોર્ટ રકમ ઘટાડીને ફેબ્રુઆરીમાં તેના ભાવ ત્રણથી પાંચ ટકા વધારશે, જેનો બોજ ડિસ્કાઉન્ટ પર નાખવામાં આવે છે.

ડાઇકિન ઇન્ડિયાના એમડી કેજી જાવાએ જણાવ્યું હતું કે ,'વિનિમયદરમાં વૃદ્ધિ તથા તાજેતરમાં કોમ્પ્રેસર પરની જકાતમાં વધારો, કોરોના વાઇરસના લીધે પુરવઠા પર અસર પડતા ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના લીધે ફકત ચીનથી જ નહીં પરંતુ થાઇલેન્ડ અને મલેશિયાથી પણ થતી આયાત પર અસર પડી છે.' ઉદ્યોગના એકમ સીઇએએમએના પ્રેસિડન્ટ અને ગોદરેજ એપ્લાયન્સિસ બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે ભારે ડિસ્કાઉન્ટ અને બ્રાન્ડસ પર વધારાની ઓફર પણ વેચાણને વધારવામાં નિષ્ફળ જાય છે. 'ત્રણથી પાંચ ટકા ભાવવચારો ટાળવો જરૂરી છે. ચીનથી આવતા બધા કન્સાઇન્મેન્ટમાં વિલંબ થઇ રહ્યો છે.' એમ તેમણે જણાવ્યું હતું. સ્માર્ટફોનના અગ્રણી રિટેલરે જણાવ્યું હતું કે કેટલીક બ્રાન્ડસે ડિસ્કાઉન્ટર અને પ્રમોશન ઓફર સ્થગિત કરવી પડશે. અને તેના લીધે કેટલાક મોડલના ભાવમાં વધારો થશે. ચીનમાં કોરોના વાઇરસના લીધે ૭૨,૫૦૦થી વધારે લોકો પર અસર પડી છે. તેના લીધે હુબેઇ અને શેનઝેન જેવા ઉત્પાદન કેન્દ્રોમાં ઉત્પાદન અટકી પડ્યું છે. તેના કારણે ઉપકરણો અને અંતિમ વપરાશનાં ઉત્પાદનોના પુરવઠાના પ્રવાહ પર અસર પડી છે.

(11:31 am IST)