Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઓ બાપ રે.. તમારા ખિસ્સા-પાકિટમાં રહેલા પરચુરણ પર ચોટેલી હોય છે ૧૨ પ્રકારની ફુગઃ અનેક બીમારીઓ થવાનો ખતરો

એક અભ્યાસમાં ખુલાસોઃ જેમની રોગ પ્રતિકારક શકિત ઓછી તેમને સિક્કાથી ખતરો

નવી દિલ્હી, તા.૧૯: તમને જાણીને નવાઈ લાગશે કે પરચૂરણ એટલે કે ચલણી સિક્કાઓ પણ એલર્જી અને ચામડીના રોગોનું કારણ બની શકે છે. એમ.એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એનવાર્યમેન્ટલ સ્ટડીના વિદ્યાર્થીઓએ ભારતીય અને વિદેશી પર કરેલા સ્ટડીમાં ચલણી સિક્કાઓ પર ચોક્કસ પ્રકારની ફૂગ હોવાનું બહાર આવ્યું છે.

'ફંગલ ફ્લોરા અસોસિએટેડ વિથ ઈન્ડિયન એન્ડ ફોરેન કોઈન્સ એન્ડ ધેર પોટેન્શિયલ હેલ્થ રિસ્કસલૃટાઈટલ હેઠળ સ્ટડી કરવામાં આવ્યું હતું, જેને ACTA સાયન્સિસ માઈક્રોબાયોલોજીમાં પબ્લિશ કરવામાં આવ્યું હતું. જે એક માઈક્રોબાયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિઓને આવરી લેતી આંતરરાષ્ટ્રીય સ્તરની પીયર-રિવ્યૂ થયેલી જરનલ છે.

'અમારા વિદ્યાર્થીઓએ ૧૦૦ જેટલા સિક્કાઓ પર સ્ટડી કર્યું હતું. ત્રણ સિવાયના અન્ય તમામ સિક્કા પર સૂક્ષ્મ સજીવોની હાજરી જોવા મળી', તેમ પ્રોફેસર અર્જુન આર્યએ જણાવ્યું.

જે સિક્કા પર સ્ટડી કરાયું હતું તે લોખંડ, ક્રોમિયમ, ચાંદી, તાંબુ, નિકલ અને ઝીંક જેવી ધાતુથી બનેલા હતા.

'પ્રયોગ દર્શાવે છે કે બે ફૂગ-એસ્પરગિલસ નાઈગર અને પેનિસિલિયમ સિંમ્પલિસિસિમમ સિક્કાઓની સપાટી પર સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આ સિવાય ફ્યુઝેરિયમ, રીઝોપસ અને અલ્ટરનેરિયા જેવી ફૂગ પણ સિક્કા પર જોવા મળી હતી', તેમ આર્યએ જણાવ્યું.

એસ્પરગિલસ નાઈગર ફૂગ સાઈટ્રિક જેવું ઓર્ગેનિક એસિડનું ઉત્પાદન કરી શકે છે, જે ધાતુને તરત ઓગાળી દે છે અથવા એક નવા સિક્કા જેવી ચમક આપી શકે છે.

'જો વ્યકિતની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે અથવા તો તે કેન્સર, ટીબી જેવી બીમારી તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા હોય. તો આ ફૂગ ફેફસામાં દ્યૂસી જાય છે અને પછી ફેલાય છે. આના પરિણામે ફેફસા નબળા પડી જાય છે'.

સ્ટડી દરમિયાન તેવું પણ જાણવા મળ્યું છે કે ઈ.કોલી અને સાલ્મોનેલા જેવા બેકટેરિયા સિક્કાની સપાટી પર ૯ થી ૧૧ દિવસ સુધી ટકી શકે છે. જેનાથી તે માનવ શરીરમાં પણ પ્રવેશી શકે છે. જે વિદ્યાર્થીઓએ આ સ્ટડી કર્યું હતું તેમાં દ્રષ્ટિ નવલાણી, અદિતી મહેશ્વરી, વિધાત્રી ઠક્કર, રોહીલ ટાંક અને નૈતિક ચૌધરીનો સમાવેશ થાય છે.

ફૂગના સંપર્કમાં આવવાથી આ રીતે બચો

– સિક્કાને પર્સમાં જ રાખો

– બની શકે તો ડિજિટલ ટ્રાન્ઝેકશનનો ઉપયોગ કરો

– સિક્કાને પાણીથી સાફ કરવા

– હાઈઝિનનું પૂરતું ધ્યાન રાખવું

– હાથને યોગ્ય રીતે ધુઓ.

(11:30 am IST)